Tue Jul 28 2026

Logo

તસવીરની આરપાર: શિવને રીઝવવા કેવી રીતે રાવણહથ્થાનું સર્જન કર્યું રાવણે?

2026-05-27 16:18:37
Author: ભાટી એન.
Article Image

આપણા પ્રાચીન વાદ્યોમાં અગ્રેસર હોયતો રાવણહથ્થો અને રામ સાગર જેના નામમાં જ ઐતિહાસિક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. રામ સાગર (તંબુરો) એટલે એક તાર અને તુંબડું જેવું સાદું સીધું વાદ્ય. રાવણહથ્થો એક વાયોલિન જેવી આધુનિક તર્જ હોય અને સા રે ગ મ પ ધ ની સા એટલે જે ગીતો ગવાય તે રાવણહથ્થામાંથી તર્જ વાગે. આવું વાજિંત્રની ઉત્પતિ રાવણ સાથે જોડાયેલી છે. જી હા, એક પ્રાચીન દંતકથા અનુસાર ભોળાનાથ શિવ શંકર સમાધિમાં તલીન્ન હતા ત્યારે રાવણે શંકર ભગવાનને રીઝવવા માટે સ્તુતિ કરી, શિવ તાંડવ કર્યું. તોય રીઝ્યા નહીં. આથી રાવણે દ્રષ્ટિ કરી તો ભગવાન ભોળિયો દરિયા કાંઠે બેઠેલા અને એક ઝાડ પર મરેલા ઢોરનું ચામડું સુકાતું હતું. 

એમાંથી અવાજ આવતો હતો તણ... ણ... તણ... ણ... ત્યારે રાવણે વિચાર કર્યો કે ઓઓઓહો... મારો શંકર ભગવાન, ભોળિયોનાથ... મરેલા ઢોરની ખાલ વાગતી હોય ! એનાથી શંકર રાજી થતા હોય તો મારે તો દસ મસ્તક, વીસ ભુજા છે. આથી પોતાના અંગમાંથી એક માથું કાપી તેનો ઓળકો બનાવ્યો, એક હાથ કાપી દાંડી બનાવી, આંગળી કાપી આંબળિયા બનાવ્યા, પોતાના શરીરમાંથી નસું કાપી તાર બનાવ્યા અને બીજો હાથ કાપી કામઠી અને માથાનાં વાળ કાપી તેનાં તાર બનાવી જેમાંથી સર્જન થયું `રાવણહથ્થો'. 

પછી રાવણે શિવ તાંડવ ગાયેલું આથી શિવ પ્રસન્ન થયેલા અને વરદાન આપેલ. આવો રાવણહથ્થોનાં માણીગર બાબુ કાનજી બારોટ અને કિશન બારોટ જયારે લોક ગીતો ગાતા હોય ત્યારે ગુર્જરધરાનું હિર છલકાતું હોય. હવે તો રાવણહથ્થો લુપ્ત થતું વાદ્ય છે. તેમ છતાં અમુક બારોટ લોકોએ હજુ આ પરંપરા જાળવી રાખી છે.

થોડું વધુ રાવણહથ્થા વિશે જાણીએ.

રાવણહથ્થો એ એક પ્રાચીન તાર વાદ્ય છે, જેનો ઉપયોગ ભારત, શ્રીલંકા અને આસપાસના વિસ્તારોમાં થાય છે. તેને વાયોલિનનું પૂર્વજ મનાય છે. રાવણહથ્થાની ધ્વનિ પેટી તુંબડું, અર્ધ નારિયેળ, લાકડાનું અડધું પોલું નળાકાર બકરીની ચામડી અથવા અન્ય ખાલ વડે બની હોય છે. લાકડા અથવા વાંસની લાકડી તેની સાથે જોડાયેલી હોય છે. જેના પર એક થી ચાર અથવા વધુ તાર હોય છે. 

રાવણહથ્થાનું ધનુષ સામાન્ય રીતે ઘોડાના વાળનું બને છે અને તેની લંબાઇ ઓછી વત્તી હોઇ શકે છે, ભારત અને શ્રીલંકામાં પરંપરાગત રીતે મનાય છે કે રાવહથ્થાનો ઉદ્ભવ રાવણના સમય દરમિયાન લંકામાં થયો હતો, જેનું નામ રાવણ પરથી અપાયું હતું. દંતકથા અનુસાર, રાવણે ભગવાન શિવની ભક્તિમાં રાવણહથ્થાનો ઉપયોગ કર્યો હતો. 

રામાયણ પ્રમાણે રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ પછી, હનુમાન રાવણહથ્થાને લઈને ઉત્તર ભારતમાં પાછા ફર્યા હતા. ઉત્તર ભારતના રાજસ્થાનમાં લોક સંગીતકારોમાં રાવણહથ્થો અત્યંત લોકપ્રિય છે. મધ્યયુગીન ભારતના રાજાઓ સંગીતના સમર્થક હતા; આથી રાજવી પરિવારોમાં રાવણહથ્થાની લોકપ્રિયતામાં વધારો થયો. રાજસ્થાન અને ગુજરાતમાં રાજકુમારો દ્વારા શીખવામાં આવેલું સંગીતનું આ પ્રથમ સાધન હતું.