Sat Aug 29 2026

Logo

દાહોદ સગીરા બળાત્કાર અને હત્યા કેસ: હાઈકોર્ટે આરોપીની આજીવન કેદની સજા યથાવત્ રાખી

2026-03-08 19:07:48
Author: Devayat Khatana
દાહોદ સગીરા બળાત્કાર અને હત્યા કેસ: હાઈકોર્ટે આરોપીની આજીવન કેદની સજા યથાવત્ રાખી

અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે વર્ષ 2013માં દાહોદ જિલ્લામાં એક સગીરા પર બળાત્કાર અને તેની હત્યાના ગુનામાં દોષિતની આજીવન કેદની સજાને માન્ય રાખી હતી. 

કોર્ટે 2014માં સેશન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજા વિરુદ્ધની અપીલને ફગાવી દેતા જણાવ્યું હતું કે, પ્રોસિક્યુશન આરોપીના ગુનાને સાબિત કરતી તમામ કડીઓ જોડવામાં સફળ રહ્યું છે. અદાલતે કહ્યું હતું કે સગીરાની સંમતિ વિના થયેલું કૃત્ય અને ત્યારબાદ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવી એ સ્પષ્ટપણે આજીવન કેદને પાત્ર ગુનો છે.

આ ઘટના વર્ષ 2013ની છે, જેમાં આરોપીએ વાણા વિધિમાં હાજરી આપવા આવેલી 13 વર્ષની સગીરાને બળજબરીપૂર્વક નજીકના ખેતરમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. 

જ્યારે બાળકીએ મદદ માટે બૂમો પાડી, ત્યારે આરોપીએ તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. સગીરાના પિતાએ તે જ દિવસે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરીને આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી.

હાઈ કોર્ટે આ કેસમાં મેડિકલ પુરાવા, એફએસએલ રિપોર્ટ અને સાક્ષીઓની જુબાનીને અત્યંત મહત્વની ગણાવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સેક્સ્યુઅલ એસોલ્ટ અને ગૂંગળામણના કારણે મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ હતી. 

આરોપીના વકીલોએ દલીલ કરી હતી કે આ કેસ માત્ર સંજોગોવશાત પુરાવા પર આધારિત છે, પરંતુ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યારે પુરાવાની સાંકળ સંપૂર્ણ હોય ત્યારે તે પ્રત્યક્ષ પુરાવા જેટલી જ મજબૂત હોય છે. 

કોર્ટે નોંધ્યું હતું કે 'લાસ્ટ સીન' થીયરી એટલે કે ઘટના પહેલા આરોપી અને ભોગ બનનારને સાથે જોનારા સાક્ષીઓની જુબાની અને આરોપીનું વર્તન તેના ગુનાની સાબિતી આપનારું છે.