Tue Aug 25 2026

Logo

ગૅસની અછતનો લાભ ઉઠાવી સાયબર ફ્રોડ કરનારા સક્રિય

2026-03-12 18:33:00
Author: Yogesh C. Patel
ગૅસની અછતનો લાભ ઉઠાવી સાયબર ફ્રોડ કરનારા સક્રિય

ગૅસનું કનેક્શન કાપવાનો ડર દેખાડીને ગૃહિણી પાસેથી નાણાં પડાવ્યાં

મુંબઈ: અખાતના દેશોમાં યુદ્ધની સ્થિતિને પગલે દેશમાં ઊભી થયેલી ગૅસની અછતનો લાભ ઉઠાવી સાયબર ફ્રોડ કરનારા સક્રિય થઈ ગયા છે. મહાનગર ગૅસનું બિલ ભર્યું ન હોવાથી કનેક્શન કાપી નાખવાનો ડર દેખાડીને ઠગ ટોળકી નાણાં પડાવતી હોવાનું સામે આવ્યું હતું. ડોમ્બિવલીની ગૃહિણીએ આ રીતના સાયબર ફ્રોડમાં ત્રણ લાખ રૂપિયા ગુમાવતાં ડોમ્બિવલીની રામનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ડોમ્બિવલીના સુનીલનગર પરિસરમાં રહેતી સ્મિતા રાણેની ફરિયાદને આધારે રામનગર પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે મહિલાના પતિને ગયા સપ્તાહે એક એસએમએસ આવ્યો હતો, જેમાં મહાનગર ગૅસનું બિલ ભરવામાં ન આવ્યું હોવાથી કનેક્શન કાપવાની ચેતવણી આપવામાં આવી હતી. મેસેજમાં એક મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો હતો.

હાલમાં ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હોવાથી ગૅસની કટોકટી ઊભી થઈ છે. સિલિન્ડર મેળવવા ઠેર ઠેર લોકો લાંબી લાઈનમાં ઊભા નજરે પડે છે. આવી પરિસ્થિતિમાં કનેક્શન કાપવાનો મેસેજ વાંચી ગૃહિણીઓ ડરી જાય એ સ્વાભાવિક છે.

ફરિયાદ અનુસાર મેસેજમાં આપેલા નંબર પર મહિલાએ કૉલ કર્યો હતો અને બિલ અગાઉ જ ભરી દીધું હોવાની જાણ કરી હતી. જોકે ‘અમારી સિસ્ટમમાં બિલ ભર્યાનું દેખાડતા નથી. તમારે તાત્કાલિક અપડેટ કરવું પડશે, નહીંતર કનેક્શન કાપવામાં આવશે,’ એવું કૉલ રિસીવ કરનારા આરોપીએ કહ્યું હતું.

વાતચીત દરમિયાન ઑનલાઈન પ્રક્રિયાને બહાને આરોપીએ મહિલાના મોબાઈલ ફોન પર એક લિંક મોકલાવી હતી. એ લિંક પર ક્લિક કરીને મહિલાએ તેનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી ભરી હતી. પછી ગણતરીની મિનિટમાં ક્રેડિટ કાર્ડમાંથી બે લાખ અને ડેબિટ કાર્ડમાંથી એક લાખ રૂપિયા ટ્રાન્સફર થયાના મેસેજ મહિલાને આવ્યા હતા. નાણાં ગુમાવતાં જ પોતે છેતરાઈ હોવાની જાણ થતાં મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.