Wed Sep 30 2026

Logo

સીએસએમટી પર 1 ઓક્ટોબરથી 75 દિવસનો મહાબ્લોક 8 મેલ એક્સપ્રેસ ટ્રેનોના રૂટ ઉપર થશે શું અસર?

2026-09-29 18:54:24
Author: Mumbai Samachar Team
સીએસએમટી પર 1 ઓક્ટોબરથી 75 દિવસનો મહાબ્લોક 8 મેલ એક્સપ્રેસ ટ્રેનોના રૂટ ઉપર થશે શું અસર?

મુંબઈથી ગોવા જનારા પ્રવાસીઓ માટે મોટા સમાચાર! 

મુંબઈઃ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ના પુનર્વિકાસના કામને કારણે 1 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી 75 દિવસનો મહાબ્લોક લેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ નંબર 14 અને 15 તથા સ્ટેબલિંગ લાઈન 15 પર ટ્રેનોનું સંચાલન બંધ રહેશે. રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ) દ્વારા પુનર્વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવશે.

આ બ્લોકની સીધી અસર લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનો પર પડશે. સીએસએમટીથી ઉપડતી અને અહીં સમાપ્ત થતી કુલ 8 ટ્રેનોને અન્ય સ્ટેશને શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવશે. તેમાંથી 7 ટ્રેનો દાદર ખાતે અને એક ટ્રેન થાણે ખાતે શોર્ટ ટર્મિનેટ કરાશે.

દાદર ખાતે શોર્ટ-ટર્મિનેટ થનારી ટ્રેનોમાં 11002 બલ્લારશાહ-સીએસએમટી નંદિગ્રામ એક્સપ્રેસ, 12810 હાવડા-સીએસએમટી એક્સપ્રેસ, 12112 અમરાવતી-સીએસએમટી એક્સપ્રેસ, 11020 ભુવનેશ્વર-સીએસએમટી કોંકણ એક્સપ્રેસ, 22120 મડગાંવ-સીએસએમટી તેજસ એક્સપ્રેસ, 22144 બિદર-સીએસએમટી એક્સપ્રેસ અને 22108 લાતુર-સીએસએમટી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. જ્યારે 12134 મેંગલુરુ-સીએસએમટી એક્સપ્રેસ થાણે ખાતે શોર્ટ-ટર્મિનેટ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીએસએમટી સ્ટેશનના પુનર્વિકાસ માટે અગાઉ પણ પ્લેટફોર્મ 16 અને 17 પર લાંબો બ્લોક લેવામાં આવ્યો હતો. આ બ્લોક 1 ફેબ્રુઆરીથી શરૂ થયો હતો અને વિવિધ તબક્કામાં તેની મુદત વધારવામાં આવી હતી. આ દરમિયાન પણ લાંબા અંતરની કેટલીક ટ્રેનોને દાદર અને થાણે ખાતે શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી હતી.

સીએસએમટીનો આશરે 2,450 કરોડ રૂપિયાનો પુનર્વિકાસ પ્રોજેક્ટ 2022માં મંજૂર થયો હતો. ઐતિહાસિક વિક્ટોરિયન ગોથિક ઈમારતનો વારસાગત દેખાવ જાળવીને સીએસએમટીને આધુનિક પરિવહનના હબ તરીકે વિકસાવવાની યોજના છે. પ્રોજેક્ટમાં નવા બિલ્ડિંગ, પ્લેટફોર્મને જોડતો એલિવેટેડ ડેક, મુસાફરો માટેની સુવિધાઓ અને કોમર્શિયલ સ્પેસનો સમાવેશ થાય છે.

75 દિવસનો બ્લોક પૂર્ણ થયા બાદ પ્લેટફોર્મ 14 અને 15 ફરી ટ્રેન સંચાલન માટે સેન્ટ્રલ રેલવેને સોંપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન અસરગ્રસ્ત ટ્રેનોમાં મુસાફરી કરનારા મુસાફરોને પોતાના પ્રવાસનું આયોજન અગાઉથી કરવા રેલવે દ્વારા અપીલ કરવામાં આવી છે.