(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્યપૂર્વના દેશોમાં યુદ્ધ લંબાઈ જવાની ભીતિ સાથે આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઑલ ફોલ ડાઉન અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશોને કારણે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન 58 પૈસા ગબડી ગયા બાદ સંભવિતપણે રિઝર્વ બૅન્કનો હસ્તક્ષેપ રહેતાં અંતે ગત શુક્રવારની જ 93.53ની જ સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 93.53ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 93.84ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.11 અને ઉપરમાં 93.81ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધની 93.53ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયામાં 64 પૈસાનું ધોવાણ થયું હતુ અને 93ની સપાટી પાર કરી હતી.
પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ વધવાની સાથે ઈક્વિટી માર્કેટમાં પણ નરમાઈનું વલણ રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, રિઝર્વ બૅન્ક દ્વારા સતત નીચા મથાળેથી બજારમાં હસ્તક્ષેપ થઈ રહ્યો છે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 93.60થી 94.40 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.14 ટકા વધીને 99.78 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધ્યા મથાળેથી 1.11 ટકા ઘટીને બેરલદીઠ 113.4 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 1836.57 પૉઈન્ટ અને 484.30 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 5518.39 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો.