ઈન્ડોનેશિયાની પેટ્રોલમાં ભેળવણી માટે બી-50 ધોરણો અપનાવવાની વિચારણા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્યપૂર્વના દેશોમાં ભૂરાજકીય તણાવમાં વધારો થવાથી આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં 15થી 25 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. તેમ જ તેની સાથે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પણ 203 રિંગિટ ઉછળી આવતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં અને મથકો પાછળ દેશી તેલમાં તેજીનું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે હાજરમાં 10 કિલોદીઠ સન રિફાઈન્ડમાં રૂ. 130, સિંગતેલમાં રૂ. 60, આરબીડી પામોલિનમાં રૂ. પંચાવન, સોયા રિફાઈન્ડમાં રૂ. 40, સિંગતેલમાં રૂ. 60, કપાસિયા રિફાઈન્ડમાં રૂ. 20 અને સરસવમાં રૂ. 15 વધી આવ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા હતા.
વધુમાં તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં ઝડપી તેજી ફૂંકાઈ જવાથી આજે ઈન્ડોનેશિયા આ વર્ષના મધ્યથી પેટ્રોલમાં ભેળવણી માટે બી-50 ધોરણો અમલી બનાવવાની યોજના ધરાવી રહ્યું હોવાના અહેવાલો વહેતા થયા હોવાને કારણે પણ આયાતી તેલની તેજીને ટેકો મળ્યો હતો.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ઈમામીનાં માર્ચ, એપ્રિલ અને મે ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1430 અને એપ્રિલ, મે તથા જૂન ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1410, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1425 અને એપ્રિલ ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડ અને સન રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1437 અને રૂ. 1700, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1430, સોયા રિફાઈન્ડના રૂ. 1450 અને સન રિફાઈન્ડના રૂ. 1710, રિલાયન્સ ક્નઝ્યુમરનાં સોયા રિફાઈન્ડના રૂ. 1405, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1410, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1425 અને જી-વનના સોયા રિફાઈન્ડના રૂ. 1401 ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે ગુજરાતના ગોંડલ અને રાજકોટ પ્રત્યેક મથકો પર મગફળીની 4000 ગૂણીની આવક સામે બન્ને મંડીમાં વેપાર મણદીઠ રૂ. 1300થી 1480માં થયા હતા, જ્યારે મધ્યપ્રદેશનાં મથકો પર 1.20 લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 5350થી 5600માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 5600થી 5700માં થયા હતા. તેમ જ આજે ગુજરાતનાં મથકો પર દેશાવરોની માગને ટેકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 20 વધીને રૂ. 2600માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25 વધીને રૂ. 1675માં થયા હતા.
દરમિયાન આજે હાજરમાં દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1400 સોયા રિફાઈન્ડના રૂ. 1410, સન રિફાઈન્ડના રૂ. 1750, સિંગતેલના રૂ. 1720, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1410 અને સરસવના રૂ. 1420ના મથાળે રહ્યા હતા.