Sun Sep 13 2026

Logo

નેપાળમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર થયા મોંઘા, મધ્યપૂર્વના યુદ્ધની સીધી અસર

Kathmandu   2026-03-16 08:36:00
Author: Vimal Prajapati
નેપાળમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર થયા મોંઘા, મધ્યપૂર્વના યુદ્ધની સીધી અસર

કાઠમંડુઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર અનેક દેશો પર થઈ રહી છે. ખાસ કરીને ક્રુડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો હોવાના અહેવાલો મળે છે. તેવામાં હવે નેપાળમાં પણ પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારે થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતના પાડોશી દેશ નેપાળમાં પણ તેલનું સંકટ તોળાઈ રહ્યું છે.  આ સ્થિતિના કારણે જ પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો થયો છે. 

ગેસ સિલિન્ડરના ભાવમાં 296 રૂપિયાનો વધારો 

ભાવ વધારાની વાત કરવામાં આવે તો, નેપાળ ઓઈલ નિગમે પેટ્રોલના ભાવમાં 31 રૂપિયા,  ડીઝલના ભાવમાં 54 રૂપિયા અને ગેસ સિલિન્ડરના ભાવમાં 296 રૂપિયાનો વધારો કર્યો છે. સ્વાભાવિક છે તે, ક્રુડ ઓઈલની અછતના કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આની નેપાળના સામાન્ય લોકો પર સીધી અસર પડવાની છે. 

ઇઝરાયલ અને અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલા આ યુદ્ધને બે અઠવાડિયા થઈ ગયાં છે. હજી પણ એકબીજા દેશો પર મિસાઈલ હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. અમેરિકા અને ઇઝરાયલ ખાસ કરીને ઈરાન પર હુમલો કરી રહ્યાં છે. જ્યારે સામે ઈરાને પણ મધ્યપૂર્વના અનેક દેશો પર મિસાઈલ હુમલો કરીને યુદ્ધનો સ્વીકાર કર્યો છે. આ યુદ્ધના કારણે ઈરાને હોર્મુઝ દરિયાઈ માર્ગ પર નાકાબંધી કરી દીધી છે. જેના કારણે અત્યારે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ રહી છે. ભારત પણ તેમાં બાકાત નથી રહ્યું, હવે નેપાળમાં પણ આ વસ્તુમાં ભાવ વધારો થયેલો જોવી મળ્યો છે.