Fri Sep 04 2026

Logo

સાઉદી લીગમાં રોનાલ્ડો 100મી મૅચમાં બન્યો મૅચ-વિનર, 1000 ગોલની સિદ્ધિ દૂર નથી

Riyadh   2026-04-04 17:41:27
Author: Ajay Motiwala
સાઉદી લીગમાં રોનાલ્ડો 100મી મૅચમાં બન્યો મૅચ-વિનર, 1000 ગોલની સિદ્ધિ દૂર નથી

AOL


રિયાધઃ પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Ronaldo)એ ઈજામુક્ત થયા બાદ શુક્રવારે સાઉદી લીગમાં બે ગોલ કરીને અલ નાસર (Al Nassr) ટીમને અલ નજમા સામે 5-2થી વિજય મેળવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. સાઉદી ક્લબ અલ નાસર વતી રોનાલ્ડોની આ 100મી મૅચ હતી અને એમાં તેણે મૅચ-વિનિંગ પર્ફોર્મ કરીને હરીફ ટીમોને પોતાના ફૉર્મ બાબતમાં ચેતવી દીધી છે.

41 વર્ષનો રોનાલ્ડો સાથળના દુખાવાને કારણે તાજેતરમાં અમેરિકામાં આગામી ફિફા વર્લ્ડ કપ માટેની પોર્ટુગલ વતી બે મૅચ નહોતો રમી શક્યો. જોકે સાઉદી લીગમાં રમીને તેણે જે બે ગોલ કર્યા એ સાથે તેના કરીઅર-ગોલની કુલ સંખ્યા 967 ઉપર પહોંચી હતી અને તે 1,000 ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બનવાની દિશામાં તે ઝડપથી આગળ વધી રહ્યો છે.

શુક્રવારે સાઉદી લીગની મૅચમાં રોનાલ્ડોએ 56મી અને 73મી મિનિટમાં ગોલ કર્યો હતો. વર્તમાન સીઝનમાં રોનાલ્ડોના ગોલની સંખ્યા 23 ઉપર પહોંચી હતી. તેના બે ગોલ તેમ જ અબ્દુલ્લા અલ-હમદાનના એક અને સાડિઓ માનેના બે ગોલની મદદથી 5-2ના તફાવત સાથે જીતીને અલ નાસરે પૉઇન્ટ્સ ટેબલમાં મોખરે સ્થાન મજબૂત કર્યું છે.

રોનાલ્ડો આ મૅચમાં 83 મિનિટ રમ્યો હતો. 83મી મિનિટમાં હેડ કોચ જોર્જ જીસસે તેને ફિટનેસ જાળવવાના ઇરાદાથી પાછો બોલાવી લીધો હતો.