Fri Sep 04 2026

Logo

અમારા માટે તો સુરતની સરકારી સ્કૂલો જ શીશમહેલ: AAP નેતાઓ પર પાટીલનો કટાક્ષ

2026-08-08 15:24:00
Author: Mumbai Samachar Team
અમારા માટે તો સુરતની સરકારી સ્કૂલો જ શીશમહેલ: AAP નેતાઓ પર પાટીલનો કટાક્ષ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતની મુલાકાત દરમિયાન પાટીલે આપના પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  અને મનીષ સિસોદિયા પર આકરા પ્રહારો કર્યા હતા. સુરત મનપાની નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિના કાર્યક્રમાં પાટીલે હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ મનપાની પ્રાથમિક શાળાઓમાં રૂ. 34.13 કરોડના ખર્ચે તૈયાર થયેલા 10 જેટલાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા હતા. 

સી.આર. પાટીલે દિલ્હીની સરકારી શાળાઓના મોડલનો પ્રચાર કરનારા આપ નેતાઓને એકવાર સુરતની સરકારી શાળાઓની મુલાકાત લેવા કહ્યું હતું. તેમણે દિલ્હીમાં શિક્ષણ મોડલના દાવોઓ પર કટાક્ષ કરતાં કહ્યું કે સુરતની સરકારી સ્કૂલોનંટ અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે તો પોતાના 'શીશ મહેલ'ને પણ ભૂલી જશો.

સુરત મનપામાં રૂ. 34.13 કરોડના ખર્ચે શાળાનો વિકાસ કરાશે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે મદનલાલ ધીંગરા શાળા નં. 210 અને વિષ્ણુ સખારામ ખાંડેકર શાળા નં. 142 ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં આ કામોનું લોકાર્પણ સંપન્ન થયું હતું. ઉધના ખાતે જ માત્ર રૂ. 29.75 કરોડના 9 કામોનું લોકાર્પણ કરાયું હતું, જ્યારે રૂ. 4.38 કરોડના 1 નવા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વિવિધ ઝોનમાં શાળાઓનું આધુનિકીકરણ 

સુરત મનપામાં અલગ અલગ ઝોનમાં કરોડોના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરાયા છે. જો કે તાજેતરમાં સુરતમાં આવેલા પૂરના કારણે ઉદ્યોગ ધંધાને વ્યાપક નુકસાન થયું છે. પરંતુ સુરતમાં વિકાસગતિ અટકી નથી. ઉધના ઝોન-એમાં સૌથી વધુ રૂ. 13.21 કરોડના શાળા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લીંબાયત, કતારગામ, સેન્ટ્રલ, રાંદેર તેમજ સચીન-કનકપુર ઝોનમાં પણ શાળાઓના નવા મકાનો અને અધ્યતન સુવિધાઓના કામો પૂર્ણ કરાયા છે. સાથે જ સરથાણા ઝોનમાં રૂ. 4.38 કરોડના ખર્ચે બનનારી નવી શાળાના બાંધકામનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.

આપના 'શીશ મહેલ' ભૂલી જશો: સી.આર. પાટીલના પ્રહાર

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે તેમના જાહેર સંબોધનના કાર્યક્રમાં સુરતની સરકારી શાળાઓના વખાણ કર્યા હતા. જો કે પાટીલ આપ નેતાઓ પર પ્રહાર કરવાનું ચૂક્યા નહોતા. તેમણે કહ્યું કે, "સુરતની અંદર 396 જેટલી સ્કૂલો બની છે. એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ અને સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને ખુલ્લું આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગો આવીને જોઈ જાય, તમે તમારા 'શીશ મહેલ'ને પણ ભૂલી જાવ એ પ્રકારનું ભવ્ય કન્સ્ટ્રક્શન અહીં સરકારી શાળાઓમાં કરવામાં આવ્યું છે."

સુરતમાં 1.70 લાખથી વધુ બાળકો અને 5000 શિક્ષકો

સુરત મનપાની શિક્ષણ સમિતિની કામગીરીની પ્રશંસા કરતા પાટીલે ઉમેર્યું હતું કે, સુરત મનપાની શાળાઓમાં આજે 1,70,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 5,000થી વધુ શિક્ષકો પોતાની સેવાઓ આપી રહ્યા છે. રાજ્ય સરકારની મદદથી તમામ બાળકોને બપોરે પૌષ્ટિક મધ્યાહ્ન ભોજન તેમજ કુપોષિત બાળકો માટે ખાસ પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા દરેક વિદ્યાર્થીને બે જોડી શ્રેષ્ઠ ગણવેશ, એક જોડી બૂટ અને મોજાં પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે, જે રાજ્ય સરકાર અને મનપાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.