Sun Jul 26 2026

Logo

વિદેશ નીતિ મુદ્દે કોંગ્રેસમાં જ 'ઘર્ષણ': મણિશંકર ઐય્યરને થરૂરે આપ્યો જોરદાર 'જવાબ'

2026-03-12 17:36:53
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઈઝરાયલ ઈરાનની સામે યુદ્ધે ચડ્યું છે. નવી દિલ્હીમાં એક જ રાજકીય પાર્ટીના બે નેતાઓ દેશની વિદેશ નીતિને લઈને સામસામે આવી ગયા છે. ઈરાનમાં ચાલી રહેલી લડાઈ મુદ્દે એક કોંગ્રેસ નેતા વિદેશ નીતિ સામે પ્રશ્નો ઊઠાવી રહ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર ઐય્યર અને કોંગ્રેસ સાંસદ શશિ થરુર વચ્ચે જોરદાર ખેંચતાણ થઈ ચૂકી છે. 

પાર્ટીના નેતા છે કે નહીં?

કોંગ્રેસના જ કેટલાક નેતાઓ તરફથી એ વાત સામે આવી છે કે, હવે મણિશંકર ઐય્યરને પાર્ટી પોતાના નેતા માનતી નથી. હવે તેઓ કોંગ્રેસના સભ્ય પણ નથી. આ માહોલ વચ્ચે અલગ અલગ નેતાઓ પર ટિપ્પણીઓ થઈ રહી છે. 
મણિશંકર ઐય્યરે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની વિદેશ નીતિ પર ટિપ્પણી પર સવાલ ઊઠાવતા એક પત્ર લખ્યો હતો. જે એક મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ મુદ્દે હવે શશિ થરૂરે જવાબ આપ્યો છે. મણિશંકર ઐય્યરને સંબોધીને કહ્યું હતું કે, લોકતંત્રની ખૂબી એ જ છે કે, અહીં લોકો પોતાનો અલગ અલગ મત રજૂ કરી શકે છે, જેમાં અસહમતી હોય તો કંઈ ખોટું નથી. પણ માત્ર એ જ કારણથી કોઈ વિદેશ નીતિને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે, એમની નિયત અને દેશભક્તિ પર પ્રશ્નો ઊઠાવવા યોગ્ય નથી. 

સાર્વજનિક ટિપ્પણી કરી

તમે મારા વિચારો અને ચરિત્રના વિષય પર સાર્વજનિક ટિપ્પણી કરી છે.જેથી એનો જવાબ આપવો આ જરૂરી હતો. મેં હંમેશાં આંતરરાષ્ટ્રીય મામલામાં ભારતના હિતના દ્રષ્ટિકોણથી મેં વિચાર્યું છે અને જોયું છે. મારા માટે ભારતની સુરક્ષા, અર્થ વ્યવસ્થા અને દુનિયામાં ભારતનું સન્માન સૌથી ઉપર છે. 

દુનિયાની રાજનીતિના તથ્યો સમજવા અને રાષ્ટ્રહિતને ધ્યાને લઈને નિર્ણય લેવો એ કોઈ મોરલ સરેન્ડર નથી. આ એક જવાબદારી છે. દેશભક્તિ પર કોઈ એક પઢીનો અધિકાર નથી. ગાંધી કે નહેરૂના વિચારને સમજવાનો અધિકાર પણ કોઈ એક સમુહ પાસે નથી. અસલી સન્માન એ છે કે, એમના વિચારોને આજના સમયની હકીકત સાથે સમજવા અને લાગુ પણ કરવા.

ભારતે આવું કદી કર્યું નથી.

ભારતે કોઈ એક દેશની ખોટી કાર્યવાહીને તાત્કાલિક સાર્વજનિક રીતે લલકારી નથી. કારણ કે આપણા પોતાના રાષ્ટ્રહિત પણ કેટલાક મુદ્દાઓ સાથે જોડાયેલા હતા. આ વિષયને લઈ ઈતિહાસમાં નજર કરી લો.રશિયા સાથે આપણા સંબંધો હજું પણ સારા છે, મહત્ત્વના છે પણ ચેકોસ્લોવેકિયા અને અફઘાનિસ્તાનના મામલે ભારતે ઘણું બેલેન્સ રાખ્યું હતું. ઈરાન ઈઝરાયલનું યુદ્ધ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરૂદ્ધમાં જઈ રહ્યું છે. જેના ગંભીર પરિણામ આવી શકે છે. આ યુદ્ધ તાત્કાલિક ધોરણે ખતમ થઈ જવું જોઈએ. 

અમેરિકા સાથે આપણા સંબંધો સારા છે, હિત જોડાયેલા છે. એને જોખમમાં મૂકવા એ કોઈ સમજદારી નથી. મેં ગાંધી વિશે અને નહેરૂ વિશે ઘણું લખ્યું છે, એમનું સન્માન મારા વિચારોમાં છે. તમને પાર્ટીમાંથી કાઢી નાંખવામાં આવ્યા છે એ સમયે પણ મેં તમને સમર્થન આપ્યું જ હતું.