કેલીઃ કોલંબિયામાં ભૂકંપે તારાજી વેરી છે. 7.4 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધરા ધ્રુજી ઊઠી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 100થી વધારે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 570 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ભૂકંપને કારણે 1575 જેટલા ઘરમાં મોટુ નુકસાન થયું છે. અનેક એવા ઘરમાં મસમોટી તિરાડ પડી ગઈ છે.
61 જેટલી ઈમારતને મોટું નુકસાન થયું છે. પશ્ચિમ કોલંબિયામાં સૌથી વધુ ભૂકંપની અસર નીપજી હોવાનું જાણવા મળ્યું છે. અનેક એવા વિસ્તારોમાં બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકોને કાળમાળમાંથી કાઢીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકોની શોધખોળ હજુ ચાલું છે.
વહેલી સવારે ધરાધ્રુજી
કોલંબિયામાં વહેલી સવારે ધરા ધ્રુજી હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપ બાદ યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. કેલી, ક્વિબ્ડો, પેરેઈરા અને તેની આસપાસના વિસ્તારોમાં કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. લોકોની શોધખોળ કરવા માટે ટીમ બનાવવામાં આવી રહી છે. અનેક એવા લોકો પોતાના પરિવારજનોની તપાસ આ કાટમાળમાં કરી રહ્યા છે. લાપતા થયેલા લોકોને પોતાના પરિવારજનોની માહિતી શૅર કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.
ભૂકંપથી અસરગ્રસ્ત પેરેઈરા સિટીમાં 60 લોકોના મોત નીપજ્યા છે. એજન્સીઓ હાલમાં મહિલાઓ અને બાળકોને મદદ કરવા માટે પ્રાથમિકતા આપી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તારમાં બાળકો અને મહિલાઓ માટે ખાસ સ્થાન તૈયાર કરવામાં આવ્યા છે. આ જગ્યા પર હજુ પણ બીજા કેટલાક લોકોને ખસેડાયા છે.
ખાસ સુવિધાઓ તૈયાર
આસપાસના વિસ્તારમાંથી પણ મહિલા તથા બાળકોને અહીંયા લાવવામાં આવી રહ્યા છે. જેમના માતા-પિતા ગુમ છે અથવા જે પરિવારજનોનો સંપર્ક થઈ શકતો નથી એવા લોકો-બાળકો માટે ખાસ સુવિધા તૈયાર કરવામાં આવી છે. જેથી કપરી સ્થિતિમાં પણ બાળકો સુરક્ષિત વાતાવરણને મહેસૂસ કરી શકે.
ભૂકંપનું એપી સેન્ટર ચોકોમાં હોવાનું જાણવા મળ્યું છે. આ કોલંબિયામાં સૌથી ગરીબ વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમાં સિનિયર સિટિઝન, મહિલા તથા બાળકોની સ્થિતિ વિકટ છે. ભૌગોલિક સ્થિતિ હજુ પણ પડકારજનક છે. ચોતરફ કાળમાળનું સામ્રાજ્ય છે. રાહત અને બચાવ કાર્યમાં પણ મોટી મુશ્કેલીઓ પડી રહી છે. આ કારણે અસરગ્રસ્ત લોકો સુધી પહોંચવામાં મોટું વિઘ્ન ઊભું થઈ રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાથી નોંધ લઈને રાષ્ટ્રપતિ અબેલાર્ડો જી લા એસ્પ્રીએલા રાજધાની ક્વિબ્ડો પહોંચ્યા હતા.
ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખની પ્રતિક્રિયા
આ પહેલા પણ દુનિયાના અનેક એવા ક્ષેત્રમાં 7 ની તીવ્રતાથી વધારેનો ભૂકંપ આવી ચૂક્યો છે. આના કારણે અનેક એવા પરિવારો એકબીજાથી વિખુટા પડી ગયા છે. આ માટે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને લાપતા થયેલા લોકોને શોધવા માટે કામ ચાલી રહ્યું છે. કાટમાળ દૂર કરીને રસ્તો કરવાની કામગીરી પણ ચાલી રહી છે. ભૂકંપના કારણે છ શહેરના એરપોર્ટ બંધ થઈ ગયા છે. અનેક એવા શહેરમાં વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. સરકારે આને ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરી રાહત કાર્ય શરૂ કર્યું છે
વૈશ્વિક નેતાઓએ સહાનુભૂતિ વ્યક્ત કરી મદદની ખાતરી આપી છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, કોલંબિયામાં આવેલા ભયાનક ભૂકંપના સંદર્ભમાં, હું ફ્રાન્સ વતી કોલંબિયાના લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. મારી સંવેદના પીડિતો, તેમના પરિવારો, ઈજાગ્રસ્તો અને આ હોનારતથી અસર પામેલા એ તમામ લોકો સાથે છે. આ મુશ્કેલ સમયમાં, કોલંબિયા ફ્રાન્સની દોસ્તી અને સમર્થન પર ભરોસો રાખી શકે છે.