Wed Sep 16 2026

Logo

કચ્છમાં 'કોકરોચ જનતા પાર્ટી'નો ડિજિટલ ધમાકો, મીમ્સ બનાવી સ્થાનિક નેતાઓને ઘેર્યા

2026-05-28 14:39:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં 'કોકરોચ જનતા પાર્ટી'નો ડિજિટલ ધમાકો, મીમ્સ બનાવી સ્થાનિક નેતાઓને ઘેર્યા

ભુજઃ હાલ સમગ્ર દેશમાં પરંપરાગત રાજકારણ સામે ડિજિટલ માધ્યમો દ્વારા અવાજ ઉઠાવવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જેની હવે સીમાવર્તી કચ્છ જિલ્લામાં પણ ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામના અભિયાન હેઠળ રાતોરાત અસંખ્ય સ્થાનિક પેજીસ સક્રિય થયા છે. આ પેજીસના માધ્યમથી જિલ્લાનો યુવાવર્ગ જાગૃત થઈને તીક્ષ્ણ કટાક્ષ, મીમ્સ અને વાયરલ રીલ્સ દ્વારા સત્તાધીશો તેમજ સ્થાનિક રાજકારણીઓને ઘેરી રહ્યો છે.

ડિજિટલ યુગના આ આધુનિક આંદોલનમાં યુવાનો આકર્ષક એડિટિંગ અને ગ્રાફિક્સના જોરે નેતાઓની નિષ્ફળતા, વણઉકેલાયેલા પ્રશ્નો અને સરકારી કચેરીઓના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી રહ્યા છે. આ પેજીસ પર ખાસ કરીને કચ્છના મુખ્ય પ્રશ્નો જેવા કે રસ્તાઓનું બિસ્માર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાડારાજ, કાગળ પરની દારૂબંધી વચ્ચે તંત્રની મિલીભગત, તાજેતરનું ડીઝલ સંકટ તેમજ છેવાડાના ગામડાઓમાં પાણીની અછત અને અધૂરા સિંચાઈ પ્રોજેક્ટ્સ જેવા મુદ્દે વહીવટી તંત્ર પર સીધા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. 

આ ઉપરાંત, કચ્છમાં મોટા પાયે ઉદ્યોગો ધમધમતા હોવા છતાં સ્થાનિક યુવાનોને રોજગારી કેમ નથી મળતી, તે બેરોજગારીના મુદ્દાને પણ યુવાવર્ગ ડિજિટલ પ્લેટફોર્મ પર જોરશોરથી ઉઠાવી રહ્યો છે. આ આક્રમક ડિજિટલ મુવમેન્ટ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

(ઉત્સવ વૈદ્ય)