નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષનાં બીજા ત્રિમાસિકગાળામાં કોલસાનું ખનન કરતી જાહેર ક્ષેત્રની અગ્રણી કંપની કૉલ ઈન્ડિયા દ્વારા પાવર ક્ષેત્રના એકમોને પૂરા પાડવામાં આવતો કોલસાનો પુરવઠો ગત સાલના સમાનગાળાના 13.350 કરોડ ટન સામે 11.01 ટકા વધીને 14.820 કરોડ ટનની સપાટીએ રહ્યો હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું.
કંપનીએ યાદીમાં ઉમેર્યું હતું કે હવે તહેવારોનો સમયગાળો નજીક છે અને સામાન્યપણે આ સમયગાળામાં ઈલેક્ટ્રિસિટીની માગમાં વધારો થતો હોવાથી થર્મલ પાવર એકમોમાં કોલસાનો પર્યાપ્ત પુરવઠો ઉપલબ્ધ રહે તેમ જણાય છે.
કૉલ ઈન્ડિયા દ્વારા વધુ પુરવઠો પૂરો પાડવામાં આવતા વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં કંપનીના સ્ટોકમાંથી અંદાજે 6.3 કરોડ ટનનો સ્ટોક છૂટો થયો છે અને હાલમાં કંપની પાસે અંદાજે 6.7 કરોડ ટનનો સ્ટોક છે, જે આગામી મહિનાની પાવર ક્ષેત્રની માગ પૂરી પાડે એટલો પર્યાપ્ત હોવાનું યાદીમાં ઉમેર્યું હતુું.
દેશમાં કોલસાના કુલ ઉત્પાદનમાં કૉલ ઈન્ડિયા લિ. 80 ટકા જેટલો બહોળો હિસ્સો ધરાવે છે. કંપનીની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં કંપનીની કોલસાની રવાનગી સપ્ટેમ્બર, 2025નાં 5.44 કરોડ ટન સામે 12.50 ટકા વધીને 6.120 કરોડ ટનની સપાટીએ રહી હતી, જેમાં પાવર ક્ષેત્રને થયેલી રવાનગી વર્ષાનુવર્ષ ધોરણે 10.63 ટકા વધીને 4.89 કરોડ ટન (4.42 કરોડ ટન)ની સપાટીએ રહી હતી, જ્યારે હિન નિયામક ક્ષેત્રોને થયેલી રવાનગીમાં 19.41 ટકાની વૃદ્ધિ થઈ હતી.
વધુમાં ગત સપ્ટેમ્બર મહિનામાં કંપનીનું કોલસાનું ઉત્પાદન સપ્ટેમ્બર, 2025નાં 4.9 કરોડ ટન સામે 9.18 ટકા વધીને 5.35 કરોડ ટનની સપાટીએ અને જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાનનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 14.582 કરોડ ટન સામે 3.81 ટકા વધીને 15.137 કરોડ ટનની સપાટીએ રહ્યું હતું. જોકે, હવે ચોમાસાની મોસમ પૂરી થઈ હોવાથી આગામી સમયગાળામાં ઉત્પાદન અને રવાનગી વેગ પકડે તેવી શક્યતા કંપનીએ યાદીમાં વ્યક્ત કરી છે.
નોંધનીય બાબત એ છે કે વર્તમાન નાણાકીય વર્ષ માટે કૉલ ઈન્ડિયા લિ.ને 81.5 કરોડ ટન કોલસાના ઉત્પાદનનો અને 85 કરોડ ટનની રવાનગીનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડીએ ગત સોમવારે જણાવ્યું હતું કે દેશમાં થર્મલ પાવરની માગ વધુ માગ, ચોમાસાને કારણે ખનન પ્રક્રિયામાં વિક્ષેપો અને હાઈડ્રોપાવર જનરેશન ઓછું થવા છતાં દેશમાં કોલસાની કોઈ અછત નથી.
એસોચેમ દ્વારા આયોજિત અંગુલ એલ્યુમિનિયમ રોડ શૉ દરમિયાન તેમને પાવર એકમોમાં કોલસાની અછત હોવાના પ્રસાર માધ્યમોનાં અહેવાલ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે દેશમાં કોલસાની કોઈ અછત નથી અને અમે રેક તથા રોડ માર્ગે કોલસાની રવાનગીઓ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે હાઈડ્રોપાવર જનરેશનમાં ઘટાડો થવાથી થર્મલ પાવરની માગમાં 12થી 15 ટકાનો વધારો થયો છે. જોકે, ચોમાસાને કારણે કોલસાનાં ઉત્પાદન પર થોડી માઠી અસર પડી છે અને કામચલાઉ ધોરણે વિક્ષેપિત થતાં પુરવઠાને તમે અછત ન ગણી શકો. એકંદરે પરિસ્થિતિ સાધારણ જળવાઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.