Wed Aug 26 2026

Logo

UPમાં વધુ એક ગામનું નામ બદલાયું:  મિયાંપુર' હવે 'રવિન્દ્રનગર' તરીકે ઓળખાશે

2026-04-11 18:50:53
Author: Devayat Khatana
UPમાં વધુ એક ગામનું નામ બદલાયું:  મિયાંપુર' હવે 'રવિન્દ્રનગર' તરીકે ઓળખાશે

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લખીમપુર ખીરીની મુલાકાત દરમિયાન એક મોટી જાહેરાત કરતા જિલ્લાના 'મિયાંપુર' ગામનું નામ બદલીને 'રવિન્દ્રનગર' કરવાની ઘોષણા કરી હતી. એક જનસભાને સંબોધતા CM યોગી અગાઉની સરકારો પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, અગાઉના શાસકોએ ગામની અસલી ઓળખ છુપાવવા માટે તેનું નામ મિયાંપુર રાખ્યું હતું, જ્યારે વાસ્તવમાં આ ગામમાં એક પણ મિયાં રહેતા નથી. આ સાથે જ તેમણે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન ભાગલાનો ઉલ્લેખ કરતા આક્રમક અંદાજમાં કહ્યું કે, પાકિસ્તાનના પાપોને કારણે હજુ પણ તેના વધુ ટુકડાઓ થશે.

આ પ્રસંગે CM યોગીએ બાંગ્લાદેશથી વિસ્થાપિત થયેલા ૩૩૧ હિન્દુ પરિવારોને જમીનના અધિકાર પત્રો એનાયત કરીને મોટી ભેટ આપી હતી. સીએમ યોગીએ જણાવ્યું હતું કે, આ પરિવારો વર્ષો પહેલા પીડા અને અસુરક્ષા સાથે ભારત આવ્યા હતા, પરંતુ કોંગ્રેસ અને સપા જેવી સરકારોએ તેમને ક્યારેય ન્યાય આપ્યો નથી. તેમણે કહ્યું કે, ડબલ એન્જિન સરકાર હેઠળ CAAના માધ્યમથી આ પરિવારોને નાગરિકતા અને સન્માન મળી રહ્યું છે. આ ઉપરાંત, મહારાણા પ્રતાપને પોતાના પૂર્વજ માનતા થારૂ સમુદાયના ૪૩૫૬ પરિવારોને પણ ૫૩૩૮ હેક્ટર જમીનના માલિકી હક્ક સોંપવામાં આવ્યા હતા.

લખીમપુર ખીરી માટે ૨૧૩ જેટલી વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતા યોગી આદિત્યનાથે વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને શીખો પર અત્યાચાર થાય છે ત્યારે સપા, કોંગ્રેસ અને ટીએમસીના નેતાઓના મોઢા સીવાઈ જાય છે. 

સપાના લોકો ઝીણાનું મહિમામંડન કરે છે અને તેમની ઓળખ માત્ર સૈફઈ પૂરતી મર્યાદિત છે. યોગીએ આશ્વાસન આપ્યું હતું કે હવે થારૂ અને વિસ્થાપિત સમાજના લોકોને વન વિભાગ કે પોલીસ વિભાગ હેરાન નહીં કરી શકે અને તેમની જમીન પર કોઈ દબંગો કબજો પણ નહીં કરી શકે.