Sat May 02 2026

Logo

માર્શલ આર્ટ્સના બેતાજ બાદશાહ ચક નૉરિસને ખેલજગતની અંજલિ

2026-03-22 20:55:08
Author: Ajay Motiwala
Article Image

`કરાટે કિંગ' બ્રુસ લી સાથેની ચક નૉરિસની `રિટર્ન ઑફ ધ ડ્રેગન' ફિલ્મ ખૂબ લોકપ્રિય થઈ હતી


હૉનોલૂલુ (હવાઈ): કરાટે, જુડો, ટાયેકવૉન્ડો, જુજુત્સુ વગેરે અનેક પ્રકારની આક્રમણ તથા સંરક્ષણની કળા એટલે માર્શલ આર્ટ્સ અને સદીઓ જૂની આ કળાને ખેલકૂદ તથા ફિલ્મ ક્ષેત્રે ખૂબ લોકપ્રિય બનાવવામાં ખાસ કરીને બ્રુસ લી જેટલું જ યોગદાન ચક નૉરિસનું પણ રહ્યું છે અને આ કળાઓના બેતાજ બાદશાહ ચક નૉરિસનું શુક્રવારે 86 વર્ષની ઉંમરે અવસાન થયું એને પગલે ખેલકૂદ જગતે પણ શોક વ્યક્ત કર્યો છે.

ચક નૉરિસ અને બ્રુસ લી વચ્ચે સારી મિત્રતા હતી અને તેમણે ભેગા ફિલ્મમાં પણ કામ કર્યું હતું. `ધ વે ઑફ ધ ડ્રેગન' (બીજું નામ `રિટર્ન ઑફ ધ ડ્રેગન') તેમ જ `ધ ગેમ ઑફ ડેથ' તેમની સૌથી લોકપ્રિય ફિલ્મ હતી. અમેરિકામાં જન્મેલા બ્રુસ લીનું જુલાઈ, 1973માં 32 વર્ષની વયે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.

ખેલકૂદમાં માર્શલ આર્ટ્સની મહત્ત્વની ભૂમિકા રહી છે અને ચક નૉરિસ (Chuck Norris) માર્શલ આર્ટ્સની રોમાંચક ફિલ્મોમાં ભૂમિકા ભજવવા બદલ હૉલિવૂડમાં તો ફેમસ હતા જ, તેઓ દુનિયાભરના સિનેમાપ્રેમીઓમાં પણ લોકપ્રિય હતા.

ખેલકૂદ જગતની વાત કરીએ તો માર્શલ આર્ટ્સ (martial arts)ની અનેક સંસ્થાઓ ઉપરાંત અમેરિકાની નૅશનલ ફૂટબૉલ લીગ (એનએફએલ)ના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી શાડ ઑકોશિન્કો, વિશ્વના ભૂતપૂર્વ સૌથી શક્તિશાળી પુરુષ એડી `ધ બીસ્ટ' હૉલ વગેરે ચક નૉરિસને અંજલિ આપી છે. બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે નાનપણમાં ચક નૉરિસની ફિલ્મો જોઈને જ કરાટેમાં ટોચની તાલીમ મેળવવાની પ્રેરણા લીધી હતી. અક્ષયે પણ બે દિવસ પહેલાં સોશ્યલ મીડિયામાં ચક નૉરિસને અંજલિ આપી હતી.

છ વર્ષ સુધી કરાટેના શહેનશાહ બની રહ્યા

ચક નૉરિસે 1969માં 29 વર્ષની ઉંમરે કરાટેનું વર્લ્ડ ચૅમ્પિયનશિપ ટાઇટલ જાળવી રાખ્યું હતું. એ ઉપરાંત તેઓ એ વર્ષમાં કરાટેના અનેક ટાઇટલ જીત્યા હતા બ્લૅક બેલ્ટ મૅગેઝિને તેમને ત્યારે `ફાઇટર ઑફ ધ યર' જાહેર કર્યા હતા. તેઓ 1968થી 1974 દરમ્યાન સતત છ વખત વર્લ્ડ મિડલવેઇટ કરાટે ચૅમ્પિયનશિપના ટાઇટલ જીત્યા હતા. બીજી રીતે કહીએ તો ત્યારે તેઓ છ વર્ષ સુધી અપરાજિત રહ્યા હતા.

195માંથી 183 મુકાબલા જીત્યા હતા

ચક નૉરિસે માર્શલ આર્ટ્સના પ્રોફેશનલ વિશ્વમાં નાના-મોટા કુલ 195 મુકાબલામાં ભાગ લીધો હતો. એમાંથી તેઓ 183 મુકાબલા જીત્યા હતા, માત્ર 10 હાર્યા હતા અને તેમના બે મુકાબલા ડ્રૉમાં પરિણમ્યા હતા. 1969માં તેમણે કરાટેમાં `ટ્રિપલ ક્રાઉન'ની સર્વોત્તમ પદવી હાંસલ કરી હતી.

ઢગલાબંધ બ્લૅક બેલ્ટ મેળવ્યા હતા

ચક નૉરિસ કરાટેમાં 10મા ડિગ્રીનો બ્લૅક બેલ્ટ, ટૅન્ગ સૂ ડોમાં 9મા ડિગ્રીનો બ્લૅક બેલ્ટ, ટાયેકવૉન્ડોમાં 8મા ડિગ્રીનો બ્લૅક બેલ્ટ તેમ જ બ્રાઝિલિયન જિઉ-જિત્સુમાં 3જી ડિગ્રીનો બ્લૅક બેલ્ટ ધરાવતા હતા. 2005ની સાલમાં તેમણે વર્લ્ડ કૉમ્બેટ લીગ (ડબ્લ્યૂસીએલ)ની સ્થાપના કરી હતી.

ડબ્લ્યૂડબ્લ્યૂએફમાં ગેસ્ટ ફાઇટર બન્યા

1994માં ચક નૉરિસે ડબ્લ્યૂડબ્લ્યૂએફની સર્વાઇવર સિરીઝમાં `ગેસ્ટ એન્ફૉર્સર' તરીકે ભાગ લીધો હતો. એ મુકાબલામાં `ધ અન્ડરટેકર'ને હરીફ રેસલર જેફ જૅરેટે ગેરકાયદે રીતે કિક પછાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે નૉરિસે જૅરેટને જોરદાર કિક મારી હતી જેને પગલે `ધ અન્ડરટેકર' છેવટે એ મુકાબલામાં વિજેતા ઘોષિત થયો હતો.

ભારતમાં ડોનેશનો આપ્યા હતા

ડૉનેશનો માટે તેમ જ યુવા વર્ગને માર્શલ આર્ટ્સની તાલીમ અપાવવા માટે જાણીતા ચક નૉરિસે ભારતમાં ભારતીય ટેનિસના લેજન્ડ વિજય અમૃતરાજના ફાઉન્ડેશનને સપોર્ટ કર્યો હતો અને એ દ્વારા તેમણે ગંભીર બીમારીથી પીડાતા લોકોને તેમ જ ટ્રૅજેડીનો ભોગ બનેલાઓને સહાય કરી હતી. દિલ્હીમાં તેમણે પેડિયાટ્રિક એચઆઇવી/એઇડ્સ હોમમાં તેમ જ જોઈ ન શક્તા બાળકોની કર્ણાટકની એક સ્કૂલને ડૉનેશન આપ્યા હતા.