Wed Sep 16 2026

Logo

છત્તીસગઢમાં વર્ષ 2003ના જગ્ગી હત્યા કેસમાં હાઈકોર્ટે અમિત જોગીને આજીવન કેદની સજા ફટકારી

2026-04-06 17:13:48
Author: Chandrakant Kanoja
છત્તીસગઢમાં વર્ષ 2003ના જગ્ગી હત્યા કેસમાં હાઈકોર્ટે અમિત જોગીને આજીવન કેદની સજા ફટકારી

રાયપુર: છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના પુત્ર અમિત જોગીને રામ અવતાર જગ્ગી હત્યા કેસમાં હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. રામ અવતાર જગ્ગીની હત્યા 2003માં થઈ હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ કેસ ફરીથી ખોલવામાં આવ્યો હતો.

ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો

આ અંગે મુખ્ય ન્યાયાધીશ રમેશ સિંહા અને ન્યાયાધીશ અરવિંદ કુમાર વર્માની ડિવિઝન બેન્ચે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને મંજૂરી આપી હતી. પરિણામે  ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના પુત્ર અમિત જોગીને નિર્દોષ છોડી મુકવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2003માં રામ અવતાર જગ્ગીની હત્યા કરવામાં આવી હતી. 

હત્યા અને ગુનાહિત કાવતરું હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા

અમિત જોગીને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને કલમ 120-બી (ગુનાહિત કાવતરું) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.  તેમજ એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેમજ દંડ ન ભરવાના કિસ્સામાં  તેમને વધારાની છ મહિનાની સખત કેદની સજા ભોગવવી પડશે. હાઈકોર્ટનો આ ચુકાદો 31  મે, 2007  ના રોજ આપેલા ટ્રાયલ કોર્ટના ચુકાદાને સંપૂર્ણપણે ઉલટાવી દીધો છે. 

મુખ્ય કાવતરાખોરને નિર્દોષ જાહેર કરવા કાયદાકીય રીતે અસંગત

આ પૂર્વે ટ્રાયલ કોર્ટના સ્પેશિયલ જજે અમિત જોગીને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે, ચીમન સિંહ, યાહ્યા ઢેબર, અભય ગોયલ અને ફિરોઝ સિદ્દીકી સહિત 28 અન્ય આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે મુખ્ય કાવતરાખોરને નિર્દોષ જાહેર કરતી વખતે કેટલાક આરોપીઓને દોષિત ઠેરવવું  કાયદાકીય રીતે અસંગત અને ભૂલભરેલું છે.