વોશિંગ્ટનઃ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ (AIAA) દ્વારા 'ચંદ્રયાન-3 મિશન' માટે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) ને ગુરુવારે 'ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ' એવોર્ડ 2026 થી સન્માનિત કરવામાં આવી છે. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ AIAA કોન્ફરન્સમાં આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
પ્રશસ્તિપત્ર અનુસાર, ઇસરોને આ એવોર્ડ 'ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશની નજીક 'ચંદ્રયાન-3' ના ઐતિહાસિક લેન્ડિંગ માટે આપવામાં આવ્યો છે, જેનાથી ચંદ્ર વિશેની સમજ વધુ સારી બનાવવામાં મદદ મળી છે.'
ક્વાત્રાએ 'X' (ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું કે, ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ માટે ઇસરો (ISRO) અને ચંદ્રયાન-3 ની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ઇસરો વતી આ એવોર્ડ સ્વીકારવો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્પેસ વિઝન 2047 તેમજ આગામી સ્પેસ રિસર્ચ અને હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન (માનવ સહિતનું અંતરિક્ષ મિશન) તથા ભારતમાં ઝડપથી વધી રહેલા કોમર્શિયલ સ્પેસ ઇકોસિસ્ટમને રજૂ કરવું મારા માટે સન્માનની વાત છે.
નોંધનીય છે કે, 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3 મિશને ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનારો દુનિયાનો સૌથી પહેલો દેશ બની ગયો હતો.
એ એવોર્ડ કેમ છે ખાસ?
'ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ' એ સ્પેસ સાયન્સ (અંતરિક્ષ વિજ્ઞાન) ના ક્ષેત્રમાં AIAA દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. આ એવોર્ડ અંતરિક્ષ સંશોધનમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવવા બદલ કોઈ વ્યક્તિ અથવા ટીમને આપવામાં આવે છે. ટીમ એવોર્ડની સ્થિતિમાં તેમાં યોગદાન આપનારા સભ્યોની યાદી સામેલ હોય છે, જેમાંથી વધુમાં વધુ બે પ્રતિનિધિઓ સત્તાવાર રીતે આ એવોર્ડ સ્વીકારે છે.
કેવીરીતે થઇ હતી આ એવોર્ડની સ્થાપના?
આ એવોર્ડની સ્થાપના શ્રીમતી ગોડાર્ડે તેમના પતિ રોબર્ટ એચ. ગોડાર્ડની યાદમાં કરી હતી. રોબર્ટ ગોડાર્ડને રોકેટ સાયન્સ (રોકેટ વિજ્ઞાન) ના પ્રણેતા અને અગ્રણી વૈજ્ઞાનિક માનવામાં આવે છે. તેમના શરૂઆતના પ્રવાહી બળતણ (લિક્વિડ ફ્યુઅલ) રોકેટ લોન્ચિંગે આધુનિક અંતરિક્ષ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો.
વર્ષ 1975માં આ એવોર્ડને તેનું વર્તમાન સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એ જ સમયે સંસ્થાએ જૂના 'ગોડાર્ડ એવોર્ડ'નું નામ બદલીને તેની પસંદગી પ્રક્રિયાનો વ્યાપ પણ વધાર્યો હતો, જે પહેલા માત્ર પ્રોપલ્ઝન અને એનર્જી કન્વર્ઝન (ઊર્જા પરિવર્તન) એન્જિનિયરિંગ સાયન્સમાં યોગદાન આપવા બદલ જ આપવામાં આવતો હતો.