મેન લાઇનમાં હવે 15 ડબ્બાની કુલ 54 લોકલ દોડશે, અંબરનાથ, બદલાપુર અને કર્જતના પ્રવાસીઓને ભીડથી મળશે રાહત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેના પ્રવાસીઓને સ્વાતંત્ર્ય દિવસથી મોટી રાહત મળશે, કારણ કે આવતીકાલે 15 ઓગસ્ટથી મેન લાઈન પર દોડતી વધુ 22 ટ્રેનમાં કોચની સંખ્યા 12થી વધારીને 15 કરવામાં આવશે. તેની સાથે જ 15 ડબ્બાની લોકલની કુલ સંખ્યા વધીને 54 થશે. સીએસએમટીથી કર્જત અને ખોપોલી વચ્ચેની આ સેવાઓનો સૌથી વધુ લાભ અંબરનાથ, બદલાપુર, કર્જત અને ખોપોલી તરફ રહેતા પરાના પ્રવાસીઓને મળશે.
દરેક લોકલમાં ત્રણ ડબ્બા વધારવામાં આવતા તેની પ્રવાસી વહન ક્ષમતામાં 25 ટકાનો વધારો થશે. મધ્ય રેલવેના જણાવ્યા મુજબ, નવી 15 ડબ્બાની સેવાઓમાં સવારે અને સાંજના પીક અવર્સની લોકલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સવારે 8.27 વાગ્યે અંબરનાથથી સીએસએમટી જતી અને સવારે 10 વાગ્યે ખોપોલીથી કર્જત જતી લોકલનો સમાવેશ થાય છે. સાંજના પીક અવર્સમાં સીએસએમટીથી અંબરનાથ જતી સાંજે 7.42 વાગ્યાની અને સીએસએમટીથી કરજત જતી સાંજે 7.50 વાગ્યાની લોકલ 15 ડબ્બાની બનશે.
રાત્રે 12.05 વાગ્યાની સીએસએમટી-અંબરનાથ લોકલ 15 ડબ્બાની બનશે
ડાઉન દિશામાં દાદરથી સવારે 7.43 વાગ્યે ઉપડતી ખપોલી લોકલ, સીએસએમટીથી સવારે 9.57 અને બપોરે 2.45 વાગ્યે ઉપડતી કર્જત લોકલને 15 ડબ્બાની કરવામાં આવશે. આ ઉપરાંત કરજતથી ખોપોલી વચ્ચેની ત્રણ લોકલ, સીએસએમટી-બદલાપુરની સાંજે 4.42 વાગ્યાની લોકલ, સીએસએમટી-અંબરનાથની સાંજે 7.42 વાગ્યાની અને સીએસએમટી-કરજતની સાંજે 7.50 વાગ્યાની લોકલ પણ અપગ્રેડ થશે. રાત્રે 10.57 વાગ્યાની સીએસએમટી-ખોપોલી અને રાત્રે 12.05 વાગ્યાની સીએસએમટી-અંબરનાથ લોકલ પણ 15 ડબ્બાની બનશે અને બંનેને સ્લોથી ફાસ્ટ લોકલમાં ફેરવવામાં આવશે.
#centralrailway is set to expand its 15-car #local train operations from #Independence Day, upgrading 22 additional 12-car services on the main line and taking the total number of 15-car services to 54. The longer trains will operate from August 15 on the #CSMT-#Karjat/#Khopoli pic.twitter.com/pKpVzST0PV
— Chetna Raja (@ChetnaRaja) August 14, 2026
સવારે 10, 11.20 અને બપોરે 12.40 વાગ્યાની લોકલ 15 ડબ્બાની થશે
અપ દિશામાં પણ ખોપોલીથી સવારે 4.50 વાગ્યે દાદર જતી લોકલ, અંબરનાથથી સવારે 8.27 વાગ્યે સીએસએમટી જતી લોકલ, ખોપોલી-કર્જતની સવારે 10, 11.20 અને બપોરે 12.40 વાગ્યાની લોકલને 15 ડબ્બાની કરવામાં આવશે. આ ઉપરાંત, કર્જત-સીએસએમટીની બપોરે 12.23, સાંજે 5.33 અને રાત્રે 10.03 વાગ્યાની સેવાઓ, ખોપોલી-સીએસએમટીની બપોરે 1.48, બદલાપુર-સીએસએમટીની સાંજે 6.17 અને અંબરનાથ-દાદરની રાત્રે 9.07 વાગ્યાની લોકલ પણ અપગ્રેડ થશે.
15 ડબ્બાની લોકલ તરીકે રાત્રે 11.23 વાગ્યે દાદરથી ઉપડશે
આ ફેરફાર સાથે કેટલીક લોકલના ટર્મિનસમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ખોપોલી-પરેલ લોકલ હવે સવારે 4.50 વાગ્યે ખપોલીથી દાદર સુધી દોડશે. જ્યારે પરેલ-ખોપોલી લોકલ હવે દાદર-ખોપોલી સેવા તરીકે સવારે 7.43 વાગ્યે દાદરથી ઉપડશે. સીએસએમટી-અંબરનાથ લોકલ હવે દાદર-અંબરનાથ 15 ડબ્બાની લોકલ તરીકે રાત્રે 11.23 વાગ્યે દાદરથી ઉપડશે. મેન્ટેનન્સના કામને કારણે આ સેવા શનિવારે રદ રહેશે.
વધુ 22 લોકલ 15 ડબ્બાની બનતા કુલ સંખ્યા 54 થશે
મધ્ય રેલવેએ 2012માં પહેલી વાર 15 ડબ્બાની લોકલ શરુ કરી હતી જે શરૂઆતમાં 16 ટ્રેનો સુધી માર્યાદિત હતી. 2019માં તેમાં વધુ છ લોકલનો ઉમેરો કરાયો હતો, જેથી આ સંખ્યા વધીને 22 થઈ હતી. જુલાઈ 2026માં વધુ 10 સેવાઓને 15 ડબ્બાની કરવામાં આવતા સંખ્યા 32 થઈ હતી. હવે વધુ 22 લોકલ 15 ડબ્બાની બનતા કુલ સંખ્યા 54 થશે. જેના કારણે પ્રવાસીઓને ભીડથી આંશિક રાહત મળવાની વકી છે.