Tue Oct 06 2026

Logo

રાજમૌલીએ કર્યા ‘ધુરંધર-૨’ના વખાણ, કહ્યું 'આ તો માસ્ટરક્લાસ છે!'

2026-03-22 09:48:00
Author: Mumbai Samachar Team
રાજમૌલીએ કર્યા ‘ધુરંધર-૨’ના વખાણ, કહ્યું 'આ તો માસ્ટરક્લાસ છે!'

મુંબઈ: ભારતીય સિનેમામાં અત્યારે રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ'ની ચારેકોર ચર્ચા થઈ રહી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સ્પાય-થ્રિલર ફિલ્મે માત્ર પ્રેક્ષકોના જ નહીં, પરંતુ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો અને દિગ્દર્શકોના દિલ પણ જીતી લીધા છે. દેશભરમાંથી મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદ વચ્ચે, આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે જ્યારે કન્ટેન્ટ અને કલાકારનો સમન્વય થાય છે, ત્યારે ઇતિહાસ સર્જાય છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સ આ ફિલ્મને લઈને સતત પોસ્ટ કરી રહ્યા છે, જે આ ફિલ્મની સફળતાની સાક્ષી પૂરે છે.

'બાહુબલી' અને 'RRR' ફેમ ડાયરેક્ટર એસ.એસ. રાજમૌલીએ એક્સ (X) પર આ ફિલ્મ વિશે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું કે, "મને ધુરંધર-1 ગમી હતી, પરંતુ 'ધ રિવેન્જ' બધી રીતે પહેલી ફિલ્મ કરતા ચડિયાતી છે. તેનું રાઇટિંગ, કાસ્ટિંગ અને ટેકનિકલ બધા જ પાસા અદભૂત છે." તેમણે વધુમાં ઉમેર્યું કે 4 કલાક લાંબી ફિલ્મ હોવા છતાં આદિત્ય ધરે પ્રેક્ષકોને જકડી રાખ્યા છે. રણવીરના પર્ફોર્મન્સને તેમણે 'એક્ટિંગનો માસ્ટરક્લાસ' ગણાવ્યો છે અને આર. માધવનના અભિનયની પણ સરાહના કરી છે.
 

માત્ર રાજમૌલી જ નહીં, પરંતુ અલ્લુ અર્જુન, મહેશ બાબુ અને રામ ચરણ જેવા સાઉથના સુપરસ્ટાર્સે પણ રણવીરને 'વર્સેટાઈલ એક્ટર' ગણાવ્યો છે. અલ્લુ અર્જુને ફિલ્મને 'ઇન્ટરનેશનલ સ્વેગ ધરાવતી ભારતીય સ્ટોરી' કહી છે. બીજી તરફ, બોલીવુડ સ્ટાર્સ કાર્તિક આર્યન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને પ્રીતિ ઝિન્ટાએ પણ ફિલ્મના દેશભક્તિના પાસા અને મજબૂત ડાયરેક્શનના વખાણ કર્યા છે. વિજય દેવરકોંડાએ તો હૈદરાબાદના અલ્લુ સિનેમામાં ફિલ્મનો સ્પેશિયલ શો જોયો હતો અને આદિત્ય ધરને 'મેડ જીનિયસ' ગણાવ્યા હતા.

શું છે ફિલ્મની સ્ટોરી અને મુખ્ય કલાકારો?
'ધુરંધર'ની આ સિક્વલ હમઝા અલી મઝારી (રણવીર સિંહ) ના ઉદય અને લ્યારીના બેતાજ બાદશાહ બનવાની સફર પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહ જસકીરત સિંહ રક્ષીથી હમઝા સુધીની સફર ખેડે છે, જે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી હુમલાનો બદલો લે છે. આ એક્શન થ્રિલરમાં રણવીરની સાથે અર્જુન રામપાલ, આર. માધવન, સંજય દત્ત, અક્ષય ખન્ના અને સારા અર્જુન જેવા દિગ્ગજ કલાકારોએ પણ પાવર-પેક્ડ પર્ફોર્મન્સ આપ્યું છે. શાશ્વત સચદેવના સંગીતે ફિલ્મમાં પ્રાણ ફૂંક્યા છે.