નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા મિડલ ઈસ્ટના અખાતી દેશોમાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 15 માર્ચ 2026ના રોજ જારી કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ, બહેરીન, ઈરાન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સ્થિત તમામ CBSE સંલગ્ન શાળાઓ માટે આ નિર્ણય લેવાયો છે. સંબંધિત દેશોની સત્તાવાળાઓ અને શાળાઓ તરફથી મળેલી વિગતોના આધારે પરીક્ષા યોજવી શક્ય ન હોવાનું બોર્ડે સ્વીકાર્યું છે.
પરીક્ષાનું શેડ્યૂલ અને રદ કરાયેલા પેપર્સ
બોર્ડના આદેશ મુજબ, 16 માર્ચ 2026 થી 10 એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી ધોરણ 12ની તમામ પરીક્ષાઓ હવે રદ ગણાશે. આ ઉપરાંત, અગાઉ માર્ચ મહિનામાં જે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી, તેને પણ હવે સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવી છે. પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજ દ્વારા જારી કરાયેલા આ પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે અસરગ્રસ્ત દેશોના વિદ્યાર્થીઓની સુરક્ષા અને વર્તમાન સંજોગોને જોતા પરીક્ષા લેવી હિતાવહ નથી.

પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા
પરીક્ષાઓ રદ થવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરિણામને લઈને ચિંતા છે, જેના જવાબમાં બોર્ડે જણાવ્યું છે કે આ દેશોના ધોરણ 12ના ઉમેદવારો માટે પરિણામ જાહેર કરવાની પદ્ધતિ અને માપદંડો વિશે આગામી સમયમાં અલગથી જાણ કરવામાં આવશે. આ નિર્ણયની જાણકારી સંબંધિત દેશોમાં ભારતીય દૂતાવાસ અને કાઉન્સિલ જનરલને પણ કરી દેવામાં આવી છે, જેથી જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાય.