Wed Aug 26 2026

Logo

કેજરીવાલના 'શીશ મહેલ' અંગે CAGનો મોટો ખુલાસો: બંગલાના રિનોવેશનમાં અંદાજ કરતા 342 ટકા વધુ ખર્ચ થયો...

2026-03-23 21:12:22
Author: Mumbai Samachar Team
કેજરીવાલના 'શીશ મહેલ' અંગે CAGનો મોટો ખુલાસો: બંગલાના રિનોવેશનમાં અંદાજ કરતા 342 ટકા વધુ ખર્ચ થયો...

નવી દિલ્હીઃ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના તત્કાલિન સરકારી નિવાસસ્થાનનું નવીનીકરણનું કામ ૩૩.૬૬ કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયું હતું, જે અંદાજિત ખર્ચ કરતાં ૩૪૨ ટકા વધુ હતું. દિલ્હી વિધાનસભામાં આજે રજૂ કરવામાં આવેલા કેગના અહેવાલમાં આ ખુલાસો થયો હતો.

મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા ૨૦૨૨ના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ)ના અહેવાલમાં જણાવાયું છે કે ૩૩.૬૬ કરોડ રૂપિયામાંથી ૧૮.૮૮ કરોડ રૂપિયા શ્રેષ્ઠ, કલાત્મક, પ્રાચીન અને સુશોભનના સામાન પર ખર્ચ કરવામાં આવ્યા હતા.

ફ્લેગસ્ટાફ બંગલામાં કેજરીવાલ ૨૦૧૫થી ૨૦૨૪ સુધી દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે રહ્યા હતા. ભાજપે ફેબ્રુઆરી ૨૦૨૫માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન આમ આદમી પાર્ટી અને તેના રાષ્ટ્રીય સંયોજક પર કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આ બંગલાને 'શીશ મહેલ' નામ આપ્યું હતું. ભાજપે એક દાયકા બાદ દિલ્હીમાં આપને સત્તા પરથી હટાવી હતી.

અહેવાલમાં જાહેર બાંધકામ વિભાગ(પીડબ્લ્યુડી) દ્વારા બંગલામાં વધારાના આવાસ ઉપલબ્ધ કરાવવા તેમ જ કેમ્પ ઓફિસ અને સ્ટાફ બ્લોકનું વિસ્તરણ અને ફેરફારમાં વિવિધ અનિયમિતતાઓને પણ સૂચિબદ્ધ કરવામાં આવી છે. તત્કાલીન મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનમાં વિસ્તરણ/ફેરફારના કામ માટે પીડબ્લ્યુડીએ ૭.૯૧ કરોડ રૂપિયાનો પ્રારંભિક અંદાજ(પીઇ) રજૂ કર્યો હતો.

અહેવાલમાં જણાવ્યા મુજબ પીડબ્લ્યુડીએ આ કામને અગત્યનું જાહેર કર્યું હતું. આ કામને શરૂઆતમાં રૂા. ૮.૬૨ કરોડમાં આપવામાં આવ્યું હતું, જે અંદાજિત ખર્ચ કરતાં ૧૩.૨૧ ટકા વધુ હતું. જે અંતે રૂા. ૩૩.૬૬ કરોડમાં પૂર્ણ થયું હતું. જે અંદાજિત ખર્ચ કરતાં ૩૪૨.૩૧ ટકા વધુ હતું.