Mon Oct 05 2026

Logo

ભાયખલાના રાણીબાગમાં જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં ટનલ ઍક્વેરિયમનું કામ પૂર્ણ થશે

2026-09-18 08:35:00
Author: Sapna Desai
ભાયખલાના રાણીબાગમાં જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં ટનલ ઍક્વેરિયમનું કામ પૂર્ણ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ જ નહીં પણ દેશ-વિદેશના પર્યટકોના પણ માનીતા રહેલા ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયમાં નવા વર્ષના આગમન સાથે જ પર્યટકો  દરિયાઈ સૃષ્ટિનો અનુભવ કરી શકશે.  લગભગ  ૬૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા ટનલ ઍક્વેરિયમમાં દેશ-વિદેશની પ્રજાતિની દરિયાઈ માછલીઓ જોવા મળશે. આ ટનલ ઍક્વેરિયમનું કામ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

મુંબઈ મહાનગરપાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ ગુરુવારે પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી હતી. એ દરમ્યાન તેમણે પ્રોજેક્ટને ડેડલાઈનમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એ સાથે જ અન્ય પ્રોજેક્ટને લગતી કામની પણ તેમણે સમીક્ષા કરી હતી. કેન્દ્ર સરકારના ‘એક પેડ મા કે નામ’ અભિયાનના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમણે  પ્રાણીસંગ્રહાલયમાં સેન્ચ્યુરી પામ વૃક્ષનું વાવતર પણ કર્યું હતું.  

વીરમાતા જીજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીબાગમાંં ગુંબજ આકારનું ટનલ ઍક્વેરિયમ બનાવવામાં આવી રહ્યું છે. ટેન્ડર બહાર પાડ્યા બાદ તેનું કામ એસકેએસ કરકાલા ઈન્ફ્રા પ્રોજેક્ટને આપવામાં આવ્યું હતું, જેને એક વર્ષની અંદર ઍક્વેરિયમની ટનલ અને હાલના પૅંગ્વિન કક્ષની સુવિધાનું વિસ્તરણનું કામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ઍક્વેરિયમ પેંગ્વિન કક્ષની બાજુમાં ૫,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે.


પ્રાણી સંગ્રહાલયના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં કામ પૂર્ણ કરવાની ડેડલાઈન છે અને તેમાં ૭૦થી વધુ દરિયાઈ અને જળચર પ્રજાતિઓ રાખવામાં આવશે. મુલાકાતીઓને કાચની ટનલમાંથી પસાર થઈને તેમને દરિયાઈ જીવસૃષ્ટિનો અદ્ભુત અનુભવ મળશે.

વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે અંદર બે ટનલ હશે. એટલે  બે ‘વોક-થ્રુ’ (અંદરથી ચાલીને પસાર થઈ શકાય તેવી) ટનલ બનાવવામાં આવી રહી છે, જેમાં ૧૪ મીટરની ‘કોરલ ફિશ’ ટનલ અને ૩૬ મીટરની ‘ડીપ ઓશન’  ટનલ તેમ જ ૩૬૦ ડિગ્રી દૃશ્યો પ્રદાન કરતી ‘પોપ-અપ’ બારીઓ પણ હશે.  ટનલનો પ્રવેશદ્વાર ગુંબજ એક્રેલિક ગ્લાસમાંથી બનાવવામાં આવશે, જે પાણીની અંદર હોવાનો અનુભવ કરાવશે.

અધિકારીના જણાવ્યા મુજબ રાણીબાગના વિસ્તારીકરણની જાહેરાત ૨૦૨૬-૨૭ના પાલિકાના બજેટમાં કરવામાં આવી હતી, તે અંતર્ગત અહીં ઍક્વેરિયમ અને આફ્રિકન થીમ આધારીત ‘એક્ઝોટિક ઝૂ’ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં મુખ્યત્વે ‘ચિત્તા રેસ્ટૉરન્ટ’ હશે, જે આફ્રિકન ઝૂ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી રહ્યું છે.

રાણીબાગના વિસ્તરણના ભાગરૂપે  ૧૮ પ્રાણી-રહેઠાણો સાથેનું એક ‘એક્ઝોટિક ઝૂ’ (વિદેશી પ્રાણીઓનું પ્રાણીસંગ્રહાલય) વિકસાવવામાં આવશે. તેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને આફ્રિકાની પ્રજાતિઓનો સમાવેશ કરવાનું આયોજન છે. પુમા, ટેમરિન, માર્મોસેટ, રિંગ-ટેલ્ડ લેમર, મીરકેટ અને જાયન્ટ એન્ટઈટર જેવા પ્રાણીઓ માટે ખાસ વાડા બનાવવામાં આવશે. 


અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વિદેશી પ્રજાતિઓને લાવતા પહેલા ‘સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી’ની મંજૂરી લેવી જરૂરી રહેશે. ‘ચિત્તા રેસ્ટૉરન્ટ’આ પ્રોજેક્ટમાં આફ્રિકન થીમ આધારિત બે માળની ‘ચિત્તા રેસ્ટૉરન્ટ’નો પણ સમાવેશ થાય છે, જ્યાંથી ચિત્તા, રિંગ-ટેલ્ડ લેમર, જિરાફ અને ઝેબ્રાને જોઈ શકાશે.

પાલિકાના આંકડા મુજબ  ૨૦૨૪-૨૫માં ભાયખલા ઝૂની મુલાકાત લેનારાઓની સંખ્યા ૩૨ થી ૩૫ લાખ હતી, જેમાં વીકઍન્ડમાં અને રજાના દિવસોમાં સૌથી વધુ ભીડ રહેતી હોય છે.