Wed Aug 19 2026

Logo

બ્રિજભૂષણ સિંહ નિર્દોષ...મહિલા પહેલવાનોના યૌન શોષણ કેસમાં કોર્ટમાંથી મળી રાહત

2026-08-03 12:05:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: બ્રિજભૂષણ સિંહ મહિલા પહેલવાનોના યૌન શોષણ કેસમાંથી નિર્દોષ છૂટી ગયા છે. કોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. સોમવારે દિલ્હીની રાઉઝ એવિન્યુ કોર્ટે આ મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બ્રિજભૂષણ શરણ સિંહ 20 જુલાઈ 2023થી નિયમિત જામીન પર હતા. 10 મે 2024ના રોજ અદાલતે દિલ્હી પોલીસની ચાર્જશીટના આધારે આરોપ નક્કી કર્યા હતા, ત્યારબાદ ટ્રાયલ શરૂ થઈ હતી.

ચુકાદા બાદ શું બોલ્યા બ્રિજભૂષણ શરણ સિંહ?

પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે અદાલતના આદેશ બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે અગાઉ જે કહ્યું હતું, તે જ હવે સાચું સાબિત થયું છે. બીજી બાજુ, તેમના વકીલે જણાવ્યું કે તેઓ અદાલતના વિસ્તૃત આદેશની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે શરૂઆતથી જ તેમનું વલણ એવું રહ્યું છે કે ફરિયાદ અને ફરિયાદકર્તાના નિવેદનોમાં અનેક વિસંગતતાઓ અને વિરોધાભાસો મોજૂદ હતા. વકીલના જણાવ્યા અનુસાર, અદાલતનો વિસ્તૃત આદેશ જલદી જારી કરવામાં આવશે, ત્યારબાદ આગળની કાનૂની પ્રક્રિયા પર વિસ્તારપૂર્વક ટિપ્પણી કરવામાં આવશે.

ડબલ્યુએફઆઈ (WFI) ના પૂર્વ સહાયક સચિવ વિનેાદ તોમર નિર્દોષ 

કોર્ટે આ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહની સાથે-સાથે ડબલ્યુએફઆઈ (WFI) ના પૂર્વ સહાયક સચિવ વિનેાદ તોમરને પણ તમામ આક્ષેપોમાંથી મુક્ત કર્યા છે. અદાલતે સ્વીકાર્યું કે અભિયોજન પક્ષ (પ્રૉસીક્યુશન) દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ બ્રિજભૂષણ સિંહ સામેના આરોપો સાબિત કરવા માટે પૂરતા ન હતા. નિવેદનોમાં અનેક વિરોધાભાસ) જોવા મળ્યા હતા.

છ મહિલા પહેલવાનોએ લગાવ્યા હતા આરોપ

ઉલ્લેખનીય છે કે, છ મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ સિંહ પર યૌન ઉત્પીડન, પીછો કરવા અને ધમકી આપવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ વિવાદને લઈને વર્ષ 2023માં જંતર-મંતર પર દેશના શીર્ષ પહેલવાનોએ મહિનાઓ સુધી મોટું વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

સાડા ત્રણ વર્ષ ચાલી લાંબી કાનૂની પ્રક્રિયા

WFI (ભારતીય કુસ્તી મહાસંઘ) ના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામેના યૌન ઉત્પીડનના કેસમાં લગભગ સાડા ત્રણ વર્ષની કાનૂની પ્રક્રિયા બાદ 3 ઓગસ્ટ 2026ના રોજ અદાલતે ચુકાદો સંભળાવ્યો. આ કેસની શરૂઆત જાન્યુઆરી 2023માં પહેલવાનોના જંતર-મંતર પરના ધરણાથી થઈ હતી.

18 જાન્યુઆરી 2023થી જંતર-મંતર પર શરૂ કર્યું હતું પ્રદર્શન

18 જાન્યુઆરી 2023ના રોજ પહેલવાનોએ જંતર-મંતર પર પ્રદર્શન શરૂ કર્યું. 19 જાન્યુઆરીએ બબીતા ફોગાટે પ્રદર્શનકારી પહેલવાનો સાથે મુલાકાત કરી અને સરકાર સાથે વાતચીત કરવાની ખાતરી આપી. તે જ દિવસે પહેલવાનોએ તત્કાલીન રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે પણ મુલાકાત કરી હતી. 20 જાન્યુઆરીએ વિનેશ ફોગાટે ભારતીય ઓલિમ્પિક સંઘ, વડાપ્રધાન કાર્યાલય, અનુરાગ ઠાકુર અને અમિત શાહને ટ્વીટ કરીને ફરિયાદ નોંધાવી હતી. 21 જાન્યુઆરીએ અનુરાગ ઠાકુર સાથેની વાતચીત બાદ પહેલવાનોએ ધરણા સમાપ્ત હતા.