વૉશિંગ્ટન/નવી દિલ્હીઃ ભારતમાં બ્રિક્સ સંમેલન 2026નું આયોજન થયું છે. ઘણા નેતાઓ આ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે. ભારતમાં યોજાઈ રહેલા બ્રિક્સ સંમેલનને લઈ અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકાના વિવિધ અખબારના અહેવાલ અનુસાર આ અંગેનો દુષ્પ્રચાર શરૂ થઈ ગયો છે. ન્યૂ યોર્ક ટાઈમ્સે બ્રિક્સ સંમેલનને લઈ લખ્યું - બ્રિક્સ દેશો એક થવાનો દાવો તો કરી રહ્યા છે પણ એકમત નથી. આવા દેશો પશ્ચિમનો વિકલ્પ શોધે છે પણ યુદ્ધ તેમને વહેંચી નાંખે છે.
આ ઉપરાંત આર્ટિકલમાં લખવામાં આવ્યું છે, ઉભરતા અર્થતંત્રોના દેશના સમૂહના નેતા શનિવારે નવી દિલ્હીમાં એકત્ર થશે. યુદ્ધ અને ઓઈલની વધતી કિંમત તેમના ગઠબંધનની એકતાની પરીક્ષા લઈ રહી છે જેઓ અમેરિકાના દબદબાવાળી વૈશ્વિક વ્યવસ્થાને બદલવા માગે છે.
બ્રિક્સ દેશોના આ શિખર સંમેલનમાં ચીન, રશિયા, બ્રાઝિલ, ભારત જેવા દેશો સામેલ થઈ રહ્યા છે. જેનો હેતુ પશ્ચિમી સંસ્થાઓ પર દુનિયાની નિર્ભરતા ઓછી કરવામાં છે. પરંતુ તેમાં યુએઈ જેવા દેશ પણ સામેલ છે, જેઓ અમેરિકાના સુરક્ષા ભાગીદાર છે, પરંતુ તેમના પર જ બ્રિક્સના સભ્ય દેશ ઈરાને હુમલો કર્યો છે.
અમેરિકા ઈરાનને લઈને ખૂબ નારાજ છે. બંને વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હજુ સુધી પૂરું થઈ શક્યું નથી. ઈરાનને લઈને ન્યૂ યોર્ક ટાઈમ્સે લખ્યું, ઈરાન એ બતાવવા માંગે છે કે પશ્ચિમી પ્રતિબંધોએ તેને અલગ-થલગ નથી કર્યું, ભલે તે અમેરિકા સાથે એવા યુદ્ધમાં અટવાયેલું છે. તેલ અને અન્ય ચીજવસ્તુઓ માટે મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના માર્ગને ખરાબ રીતે પ્રભાવિત કર્યો હોવા છતાં બ્રિક્સના અન્ય સભ્ય દેશોને ઊર્જાના સ્થિર પુરવઠા અને ઓછી કિંમતોમાં રસ છે.
પીએમ મોદીને લઈને શું કહ્યું
મીડિયાને મળતી માહિતીમાં લખાયું હતું કે યજમાન દેશ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આ શિખર સંમેલન ભૌગોલિક-રાજકીય સંતુલન જાળવવાની એક નાજુક કવાયત છે. ભારત, જે લાંબા સમયથી ચીનને પોતાનો હરીફ માનતું આવ્યું છે, તે સંસ્થાપક સભ્ય દેશોમાં એકમાત્ર એવો દેશ છે, જે વૈશ્વિક બાબતોમાં બેઇજિંગનો પ્રભાવ ઘટાડવા માંગે છે.
શું છે બ્રિક્સ
બ્રિક્સ (BRICS) એ વિશ્વના ઉભરતા અને વિકાસશીલ દેશોનું એક મહત્વપૂર્ણ સંગઠન છે. આ જૂથની રચના 2006માં થઈ હતી અને તેનું પ્રથમ ઔપચારિક શિખર સંમેલન 16 જૂન 2009ના રોજ યોજાયું હતું શરૂઆતમાં તેના સભ્ય દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન)ના અંગ્રેજી નામ પરથી તેને 'BRIC' કહેવામાં આવતું હતું અને વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકા જોડાવાથી તે BRICS બન્યું હતું.
હાલમાં તેમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને UAE જેવા 11 મુખ્ય દેશો સામેલ છે. આ પહેલાં પણ ભારત વર્ષ 2012, 2016 અને 2021માં બ્રિક્સની અધ્યક્ષતા અને બેઠકોની યજમાની કરી ચૂક્યું છે.