Mon Oct 05 2026

Logo

Crude oil price: ક્રૂડ ઓઇલની કિંમતોમાં લાગી આગ, મિડલ ઇસ્ટના તણાવથી $107ને પાર પહોંચ્યું ક્રૂડ

2026-09-14 15:00:45
Author: Mumbai Samachar Team
Crude oil price: ક્રૂડ ઓઇલની કિંમતોમાં લાગી આગ, મિડલ ઇસ્ટના તણાવથી $107ને પાર પહોંચ્યું ક્રૂડ

સોમવારે કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના બજારમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો. બ્રેન્ટ ક્રૂડની કિંમતો છલાંગ લગાવીને 107 ડોલર પ્રતિ બેરલના મહત્વના સ્તરને વટાવી ગઈ છે. વાસ્તવમાં મિડલ ઇસ્ટ (પશ્ચિમ એશિયા)માં સતત વધી રહેલા તણાવે આખી દુનિયાની એનર્જી સપ્લાય ચેઈન માટે જોખમની ઘંટડી વગાડી દીધી છે. નવેમ્બર ડિલિવરી માટેના બ્રેન્ટ ક્રૂડના ભાવ 2.8 ટકા વધીને 107.54 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે. બીજી તરફ ઓક્ટોબરમાં ડિલિવરી માટેના અમેરિકી બેન્ચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (WTI) ની કિંમતોમાં પણ 2.3 ટકાનો વધારો થયો છે, જેથી તે 102.34 ડોલર પર પહોંચી ગયું છે.

સાઉદી પાઇપલાઇન બંધ થવાથી ટેન્શન

બજારના જાણકારોનું માનીએ તો ક્રૂડ ઓઇલની કિંમતોમાં આ તેજી અચાનક નથી આવી. ગત સપ્તાહે પણ બન્ને કોન્ટ્રાક્ટ્સમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે કિંમતો 100 ડોલરને વટાવી ગઇ હતી.  પરંતુ હવે રોકાણકારોનું સંપૂર્ણ ફોકસ મિડલ ઇસ્ટ પર આવી ગયું છે. અહીંના મહત્વના એક્સપોર્ટ રૂટ્સ પર સુરક્ષાનું મોટું સંકટ ઉભુ થઇ ગયું છે.  એક લેટેસ્ટ ઘટનાક્રમમાં સાઉદી અરબને ડ્રોન હુમલાનો સામનો કરવો પડ્યો છે. આ હુમલાના તરત બાદ સાઉદી અરબે તેની મહત્વપૂર્ણ ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇનને અસ્થાયી રીતે બંધ કરી દીધી છે. આ નિર્ણય પછી ગ્લોબલ માર્કેટમા સપ્લાય બંધ થવાનો ડર હાવી થયો છે. 

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં લોહિયાળ સંઘર્ષ

સપ્લાય ચેઈન માટેનું સંકટ માત્ર પાઇપલાઇન બંધ થવા સુધી મર્યાદિત નથી. દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંના એક હોર્મુઝ જળડમરૂમધ્ય (Strait of Hormuz) માં પણ પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની રહી છે. રવિવારે આ જ વિસ્તારમાં એક વેપારી જહાજ (મર્ચન્ટ વેસલ) ને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈરાની અધિકારીઓએ ખુદ આ વાતની પુષ્ટિ કરી છે કે આ હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઇરાનની નવી મુસીબત

એક સમય હતો જ્યારે આ રસ્તેથી વ્યાપારી જહાજો કોઈપણ મુશ્કેલી વગર પસાર થતા હતા. યુદ્ધ શરૂ થતા પહેલા અહીં અવરજવર તદ્દન મુક્ત હતી. પરંતુ હવે ઈરાને પરિસ્થિતિને પોતાની મુઠ્ઠીમાં લેવાના પ્રયાસો તેજ કરી દીધા છે. ઈરાને નિયમો કડક બનાવી દીધા છે કે હવે કોઈપણ જહાજે ત્યાંથી પસાર થવા માટે પહેલા પરવાનગી લેવી પડશે. આ ઉપરાંત ઈરાન એક એવી સિસ્ટમ પણ તૈયાર કરી રહ્યું છે, જે હેઠળ જહાજો પાસેથી સર્વિસ ફી વસૂલવામાં આવી શકે. જે જહાજો ઈરાનની આ શરતો નથી માનતા, તેમના પર ઈરાની સેના વીણી વીણીને હુમલા કરી રહી છે. ઈરાનના આ નિયંત્રણને તોડવા માટે અમેરિકા પણ પાછળ નથી. અમેરિકા સતત ઈરાની તટો પર બોમ્બમારા કરીને તેને પડકારી રહ્યું છે, જેના કારણે ટકરાવની સ્થિતિ સર્જાઈ છે.

વાતચીત મુલતવી રહેતા સંકટના વાદળો

સમુદ્રના માર્ગે થતા દુનિયાભરના તેલ વેપારનો એક મોટો હિસ્સો આ જળમાર્ગ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં શાંતિ સ્થાપનાની આશા કૂટનીતિક વાતચીત પર ટકેલી હતી. પરંતુ અહીંથી પણ નિરાશાજનક સમાચાર આવ્યા છે. ઓમાને ઈરાન સાથે ખાડી દેશોની થનારી એક અત્યંત મહત્વપૂર્ણ વાતચીત હાલ પૂરતી મોકૂફ રાખી છે. આ વાતચીતમાં આ જ વ્યૂહાત્મક જળમાર્ગના ભવિષ્યને લઈને કોઈ નક્કર રસ્તો કાઢવાનો હતો. હવે વાતચીત મોકૂફ રહેવાથી બજારમાં એવો સંદેશ ગયો છે કે હાલ પૂરતો મિડલ ઇસ્ટનું આ સંકટ સરળતાથી ઉકેલાવાનું નથી. આ જ કારણ છે કે કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના ભાવ સતત વધી રહ્યા છે.