Sun Aug 30 2026

Logo

બાળકી પર બળાત્કાર-હત્યા કેસમાં આરોપીની મૃત્યુદંડની સજા હાઈ કોર્ટે રદ કરી

2026-03-12 20:56:57
Author: Mumbai Samachar Team
બાળકી પર બળાત્કાર-હત્યા કેસમાં આરોપીની મૃત્યુદંડની સજા હાઈ કોર્ટે રદ કરી

મુંબઈ: નીચલી કોર્ટે છ વર્ષની બાળકી પર બળાત્કાર કરી હત્યા કરવાના ગુનામાં  આરોપીને દોષિત ઠેરવીને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જોકે, હાઈ કોર્ટે અવલોકન કર્યું કે ફોરેન્સિક પુરાવા અને પુરાવા સંબંધિત આરોપીઓના નિવેદનો અંગેની જુબાની નોંધવાની પ્રક્રિયામાં ગંભીર ખામીઓને કારણે આખો કેસ નબળો પડી ગયો હતો અને આરોપીની મૃત્યુદંડની સજા રદ કરી હતી.

ન્યાયાધીશ મનીષ પિતળે અને શ્રીરામ શિરસાટની બેન્ચે આ મામલો નીચલી કોર્ટમાં મોકલવાનો અને નવેસરથી સુનાવણી અને ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો. જો કે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે અગાઉ નોંધાયેલા અન્ય પુરાવા અને નિવેદનો એ જ રહેશે.

3 ઓગસ્ટ, 2022ના માવળ તાલુકાના એક ગામમાં જિલ્લા પરિષદ શાળા પાસે ઝાડીઓમાંથી છ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.  માર્ચ 2024માં ખાસ સત્ર અદાલતે અરજદાર અને તેની માતાને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. ઉપરાંત, મૃતદેહ છુપાવવા બદલ અરજદારને મૃત્યુદંડ અને તેની માતાને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બંનેએ સજાને હાઇ કોર્ટમાં પડકારી હતી.

તપાસ અધિકારીની જુબાની દરમિયાન પુરાવા તરીકે બાર રાસાયણિક વિશ્લેષણ અને ડીએનએ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, અપીલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ રિપોર્ટ તૈયાર કરનારા ડોકટરો અથવા વિશ્લેષકોને કોર્ટમાં સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા નહોતા. અરજદારોએ એવો પણ દાવો કર્યો હતો કે, તેમને નિષ્પક્ષ ટ્રાયલ માટે જરૂરી, સંબંધિત સાક્ષીઓની ઉલટતપાસ કરવાની તક આપવામાં આવી નહોતી.

જસ્ટિસ પિતળે અને શિટસાટની બેન્ચે અવલોકન કર્યું કે સેશન્સ કોર્ટે રિપોર્ટને સીધો સ્વીકારીને ગંભીર ભૂલ કરી છે. બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું કે આનાથી ન્યાય પ્રક્રિયામાં અવરોધ ઊભો થયો અને અરજદારની સજા અને મૃત્યુદંડ રદ કરવામાં આવ્યો.

બેન્ચે નોંધ્યું હતું કે પુરાવા અંગે આરોપીના નિવેદન નોંધવાની પ્રક્રિયા ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય ન્યાયિક સંહિતાની સંબંધિત કલમો હેઠળ ફરજિયાત છે, પરંતુ તેમાં ગંભીર ખામીઓ હતી. કોર્ટે પોતાના આદેશમાં એ પણ નિર્દેશ કર્યો હતો કે ટ્રાયલ જજે બંને આરોપીઓની અલગથી પૂછપરછ કરવાને બદલે એકસાથે પૂછપરછ કરી હતી. તેવી જ રીતે, તેણે નીચલી કોર્ટને બંને આરોપીઓના અલગ નિવેદનો નોંધવાનો આદેશ આપ્યો.

જોકે, કોર્ટે ખાસ સત્ર અદાલતને નવી પ્રક્રિયા પૂર્ણ કરવા અને ઓગસ્ટ 2026 સુધીમાં અંતિમ નિર્ણય આપવાનો આદેશ પણ આપ્યો હતો. બીજી તરફ, આરોપીની માતા સાત વર્ષની સજામાંથી ત્રણ વર્ષથી વધુ સમય સજા ભોગવી ચૂકી છે અને તેના પર જામીનપાત્ર ગુનાનો આરોપ હોવાનું જણાવીને જામીન આપવામાં આવ્યા હતા.