Thu Jul 23 2026

Logo

પૂર મુદ્દે બોમ્બે હાઈ કોર્ટની ફટકાર: આ કુદરતી નહીં, નાગરિકોએ ઊભું કરેલું સંકટ છે

2026-07-10 20:49:47
Author: Mumbai Samachar Team
Article Image

ગેરકાયદે બાંધકામ અને કચરાના કારણે મુંબઈમાં પાણી ભરાતા હાઈ કોર્ટે નાગરિકોની આદતો પર નારાજગી વ્યક્ત કરી

મુંબઈ: ભારે વરસાદે સમગ્ર મુંબઈને ધમરોળી નાખ્યું હતું. શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને બોમ્બે હાઇ કોર્ટે નાગરિકોને ફટકાર લગાવી હતી. હાઈ કોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે આ પૂર જેવી પરિસ્થિતિ કુદરતથી વધુ નાગરિકો દ્વારા ઊભું કરવામાં આવેલું સંકટ જવાબદાર છે.

હાઇ કોર્ટે જણાવ્યું હતું કે મુંબઈમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની ભારે સમસ્યા નાગરિકો દ્વારા પોતે ઊભું કરેલ સંકટ જવાબદાર છે. કોર્ટે જણાવ્યું હતું કે જનતા દ્વારા જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો, નાળાઓ જામ કરવાની સાથે જાહેર માળખાઓનો દુરુપયોગ કરવાને કારણે થયું છે.

કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર વી ધુગે અને ન્યાયાધીશ ગૌતમ અખંડની ડિવિઝન બેંચે ટિપ્પણી કરી હતી કે આ શહેરમાં પાણી ભરાયેલા રસ્તાઓ જોવા મળે તે ટીકાપાત્ર છે, કારણ કે લોકો કચરો ફેંકીને ગટરોને બંધ કરે છે. એટલું જ નહીં, કાયદેસર વિસ્તારોને ગેરકાયદે પાર્કિંગમાં બદલી દે છે અને ફૂટપાથો પર ખાણી-પીણીના સ્ટોલ પણ ઊભા કરી અતિક્રમણ ઊભું કરી દે છે. 

કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે હાઈ કોર્ટની બહારની ફૂટપાથો પર ગેરકાયદે દુકાનોએ કબજો જમાવ્યો છે. આપણા લોકોની આદત છે કે આપણે જ આપણી માતૃભૂમિને લૂંટી રહ્યા છે. આપણે ગેરકાયદે રીતે જમીનનો કબજો કરીએ છે, અને પછી ડિમોલિશનની નોટિસ આવે ત્યારે કાયદાના પુસ્તકો તરફ વળીએ છે.    

સરકારી માળખાગત સુવિધાઓને લગતા એક અન્ય મામલામાં હાઇ કોર્ટે સાયન-ટ્રોમ્બે માર્ગ પર આવેલા મંડાલા ગામમાં એક રસ્તાના વિસ્તરણ પ્રોજેક્ટ અંગે પરમાણુ ઊર્જા વિભાગને નોટિસ મોકલી હતી. પાલિકાવતી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પાલિકાએ હાલના 30 ફૂટના રસ્તાને બનાવવા માટે અગાઉથી જ દબાણો દૂર કરી દીધા છે અને 192 વૃક્ષ કાપી નાખ્યા છે. 

પાલિકાએ કહ્યું કે તે આ રસ્તાને 50 ફૂટ પહોળા કરવા માટે તૈયાર છે, પરંતુ તે માટે ડીએઈ એ જે પાસે આવેલા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનું સંચાલન કરે છે, તેણે બાકીની 20 ફૂટ અતિક્રમણ મુક્ત જમીન સોંપવી પડશે. બીએમસી તરફથી મળતા સંકેતો સૂચવે છે કે બાર્ક (BARC) હાલમાં આ પ્રક્રિયાને આગળ ધપાવવમાં અનિચ્છા ધરાવે છે. 

હાઈ કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે DAE (ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી)એ જમીન હસ્તાંતરણ અંગે એક નક્કર અને અંતિમ નિર્ણય લેવાની જરૂર છે. કોર્ટે આ બાબતે આગામી સુનાવણી  માટે આ મહિનાના અંતમાં તારીખ નિર્ધારિત કરી છે.