હોળી અને બોલીવૂડનો ખૂબ જ જૂનો સંબંધ છે પછી એ રીલ લાઈફ એટલે કે ફિલ્મોની વાત હોય કે પછી રિયલ લાઈફ એટલે સેલેબ્સના હોલી સેલિબ્રેશનની વાત હોય. હોળીનો તહેવાર હોય અને બોલીવૂડ સેલેબ્સ તેનું જોરદાર સેલિબ્રેશન ના કરે એ વાત અશક્ય છે. ચોથી માર્ચના ઓફિશિયલ હોલી સેલિબ્રેશન પહેલાં જ મુંબઈમાં સ્ટાર્સના ઘરે અને પ્રી-હોળી પાર્ટીઓમાં રંગોની છોળો ઉડવાની શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સની રંગબેરંગી તસવીરો વાયરલ થઈ રહી છે, જે દર્શાવે છે કે બી-ટાઉનમાં હોળીનો જશન શરૂ થઈ ચૂક્યો છે.
બોલીવૂડના હાર્ટથ્રોબ, ચોકલેટી બોય રણબીર કપૂરના લેટેસ્ટ ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. વાઈરલ થઈ રહેલાં ફોટોમાં રણબીર કપૂર દીકરી રાહા કપૂર અને મિત્રો સાથે હોળી રમતો જોવા મળ્યો હતો. તેના ચહેરા પર ગુલાબી ગુલાલ અને સફેદ કુર્તામાં રણબીરનો આ 'હોળી લૂક' ચાહકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ વર્ષે તેની હોળી પત્ની આલિયા ભટ્ટ અને પુત્રી રાહા સાથે ખૂબ જ ખાસ રહેવાની છે.
બેસ્ટ ફ્રેન્ડ્સ સોહા અલી ખાન અને નેહા ધૂપિયા દર વર્ષની જેમ આ વખતે પણ પ્રી-હોળી બ્રંચમાં રંગોમાં ડૂબેલા જોવા મળ્યા હતા. નેહા ધૂપિયાએ તેના બાળકો અને અંગદ બેદી સાથે હોળીની મસ્તી કરતી જોવા મળી હતી. આ સિવાય નવાબ ફેમિલીમાંથી બોલીવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાને પિતા મન્સૂર અલી ખાન પટૌડીની યાદો અને દીકરી ઈનાયા સાથે ગુલાલ ઉડાડીને રંગોત્સવની ઉજવણી કરી હતી ફેન્સને નેહા અને સોહાનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેમના હોલિ સેલિબ્રેશનના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.
રંગોના આ તહેવાર હોળીના માહોલમાં બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ મિત્રોની પાર્ટીમાં એન્જોય કરતા જોવા મળ્યા હતા. સ્ટાર્સના ઘરની બહાર પાપારાઝીઓની ભીડ જામી છે, કારણ કે દરેક ફેન તેમના મનપસંદ કલાકારના હોલી લૂકની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે બોલીવૂડમાં આર.કે. સ્ટુડિયોની હોળી અત્યંત પ્રખ્યાત હતી, પરંતુ હવે સમયની સાથે ઉજવણીની રીત બદલાઈ છે. અત્યારે શબાના આઝમી અને જાવેદ અખ્તરની હોલી પાર્ટી સૌથી વધુ ચર્ચામાં રહે છે અને આ પાર્ટીમાં બોલીવૂડના સ્ટાર્સનો જમાવડો જોવા મળે છે.