Wed Jul 22 2026

Logo

આરોગ્ય  બજેટમાં ૭,૪૫૬.૮૦ કરોડની જોગવાઈ પીપીપી મૉડલની સાથે આરોગ્ય સેવાના આધુનિકરણ પર ભાર

2026-02-26 09:11:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બુધવારે રજૂ થયેલા બજેટમાં સાર્વજનિક આરોગ્ય સેવા માટે ૭,૪૫૬.૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જે ગયા વર્ષે કરતા  ૨૨.૦૫ ટકા વધુ છે. ગયા વર્ષે આરોગ્ય સેવા માટે બજેેટમાં ૬,૧૦૪.૭૫  કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. બજેટમાં વધારો કરવાની સાથે જ પ્રશાસને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલના વિસ્તારીકરણ અને આરોગ્ય સેવાના આધુનિકરણ પર ખાસ ભાર આપ્યો છે.

પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ બુધવારે મુંબઈ મહાનગરપાલિકાનું ૨૦૨૬-૨૭નું બજેટ સ્થાયી સમિતિ અધ્યક્ષને રજૂ કર્યું હતું. બજેટમાં આરોગ્ય વિભાગમાં ૫,૨૩૭.૦૯ કરોડ રૂપિયાનું રિવેન્યુ એક્પેન્ડીચર અને ૨,૨૧૯.૭૧ કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડીચર બતાવવામાં આવ્યું છે. 

દિવસેને દિવસે પાલિકાની હૉસ્પિટલોમાં દરદીની વધતી સંખ્યા સામે બેડની અપૂરતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પાલિકા સંચાલિત તમામ હૉસ્પિટલમાં ૨૦૨૭ની સાલ સુધી વધારના ૨,૭૦૬ બેડ ઉપલબ્ધ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે, જેમાં હૉસ્પિટલોનો પુનર્વિકાસ કરવામાં આવવાનો છે. મુખ્યત્વે બાન્દ્રાની ભાભા હૉસ્પિટલ, બોરીવલીની ભગવતી હૉસ્પિટલ, કાંદિવલીની ડૉ.બાબાસાહેબ આંબેડકર સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ, ભાંડુપ મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલ, ગોરેગામની સિદ્ધાર્થ હૉસ્પિટલ, ગોવંડીની પંડિત મદન મોહન માલવીય હૉસ્પિટલ, મુલુંડની એમટી અગ્રવાલ મલ્ટી સ્પેશ્યાલિટી હૉસ્પિટલ, વિક્રોલીની મહાત્મા જ્યોતિબાફુલે હૉસ્પિટલ અને ચાંદિવલી સ્થિત સંઘર્ષ નગર હૉસ્પિટલનો સમાવેશ થાય છે. આ હૉસ્પિટલના કામ પૂરા થવાથી વધારાના ૪,૫૫૬ બેડ ઉપલબ્ધ થશે, જેમાં ૨,૭૦૬ બૅડ આ વર્ષે જ ઉપલબ્ધ થશે.

ડ્રગ્સ રેસિસટન્સ ટીબી માટે જિનોમ સિક્વેન્સિંગની શોધ પૂરી થઈ ગઈ છે અને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ જિનોમ સિક્વેન્સિંગનું પરીક્ષણ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે, જેમાં દવા પ્રતિરોધી ટીબીનું  મ્યુટેશન સરળતાથી જાણી શકાશે. એ સિવાય ૧૪ વર્ષીય છોકરીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવા માટે એચ.પી.વી. વેક્સિનેશન અભિયાન હાથ ધરશે. બાળકો માટે ઓનલાઈન વેક્સિનેશન રજિસ્ટ્રેશન અને અપોઈન્ટમેન્ટ માટે ‘યૂ-વિન’ પોર્ટલ સુવિધા ઉપલબ્ધ થશે.

ડિજિટલ ડેશબોર્ડ સુધિા  ઉપલબ્ધ કરાવવામાં આવવાની છે, જેનાથી પાલિકાની કઈ હૉસ્પિટલમાં કેટલા બૅડ ઉપલબ્ધ છે તેની માહિતી દર્દીઓને ઉપયોગી સાબિત થશે. જેનેેરિક દવા માટે શહેર, ઉપનગરની તમામ મુખ્ય હૉસ્પિટલ, સ્પેશિયલ હૉસ્પિટલમાં  ૫૦ જગ્યાએ જેનરિક મેડિકલ સ્ટોર નાગરિકો માટે શરૂ કરવામાં આવશે, જ્યાં સસ્તી દવા મળશે.
 
પીપીપી મોડેલ અંતર્ગત પહેલા તબક્કામાં ત્રણ ડાયાલિસિસ કેન્દ્ર, ત્રણ ડિસ્પેન્સરી અને જુદી જુદી હૉસ્પિટલમાં સીટી સ્કેન, એમઆઈઆર, કૅથલેબ, બ્લડબેન્ક અને આઈસીયુની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બજેટમાં સાયન હૉસ્પિટલનું બીજા તબક્કામાં પુનર્વિકાસ કરવા માટે ૧૦૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભાંડુપમાં પ્રસ્તાવિત નવી હૉસ્પિટલ માટે ૧૬૦ કરોડ રૂપિયા, રાજાવાડી હૉસ્પિટલનું બીજા તબક્કામાં કરવામાં આવનારા પુનર્વિકાસ માટે ૬૦ કરોડ, મહાત્મા જ્યોતિબાફુલે હૉસ્પિટલ માટે પંચાવન કરોડ, સિદ્ધાર્થ હૉસ્પિટલ માટે ૭૮ કરોડ , કાંદિવલીની શતાબ્દી માટે ૫૦ કરોડ, નાયરમાં નવી બિલ્ડિંગ માટે ૫૦ કરોડ અને  બાન્દ્રામાં કેન્સર હૉસ્પિટલ માટે ૪૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.