Sat May 16 2026

Logo

મુંલુંડના પ્રિયદર્શિની ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ગેરકાયદે બાંધકામનો સફાયો

2026-05-16 22:00:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિધિ તરફથી)
મુંબઈ: મુલુંડમાં આવેલા પ્રિયદર્શિની ઈન્દિરા ગાંધી સ્પોટ્સ કૉમ્પ્લેક્સ પરિસરમાં ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવેલા તાત્પૂરતા બાંધકામ સહિત ટર્ફ પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શનિવારે કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવ્યું હતું.
મુંબઈના મેયરની અધ્યક્ષતામાં મુલુંડમાં મહાકવિ કાલિદાસ નાટ્ય મંદિરમાં શુક્રવારે બેઠક થઈ હતી, જેમાં પ્રિયદર્શિની ઈન્દિરા ગાંધી સ્પોટર્સ કૉમ્પ્લેક્સ તેમજ કાલિદાસ નાટ્યગૃહના પુનર્રચના અને સુધારા બાબતે બેઠકમાં ચર્ચા થઈ હતી. એ બાદ પરિસરમાં ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.

એ દરમ્યાન પ્રિયદર્શિની ઈન્દિરા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના પરિસરમાં અમુક ટેમ્પરરી સ્ટ્રક્ચર (તાત્પૂરતા બાંધકામ) અને ગેરકાયદે બાંધકામ ઊભા થઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી મેયરે આ માળખા અને ગેરકાયદે બાંધકામ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તે મુજબ શનિવારથી ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનું કામ  ‘ટી’વોર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

‘ટી’વોર્ડના અધિકારીના જણાવ્યા મુજબ શનિવારે સવારે સ્પોર્ટસ કૉમ્પ્લેક્સમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં બિલ્ડીંગ નંબર બેની પાસે ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવેલા શેડ અને બાજુમાં રહેલા ટર્ફને તોડવામાં આવ્યા હતા. તેમ જ બિલ્ડીંગની બહારની બાજુએ રહેલા બે વધારાના શેડ પણ તોડી પાડવામાં આવ્યા હતા.


બેન્ડમિન્ટન કોર્ટ અને સાંસ્કૃતિક સભાગૃહની બહારની બાજુએ રહેલા ફાઈબર શીટ લગાવીને ઊભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામને પણ તોડી પાડવામાં આવ્યા હતા. તેમ જ બિલ્ડીંગ ની અંદર લગાવેલા ગેરકાયદે ફ્લેકસ પણ કાઢી નાખવામાં આવ્યા છે. ટેનિસ કોર્ટની  પ્રેક્ષક ગેલેરી પર ઊભા કરવામાં આવેલા તાત્પૂરતા શેડ પર તોડી પાડવામાં આવ્યા છે.

આ કાર્યવાહી કરવા માટે ૨૫ કામગાર તહેનાત કરવામાં આવ્યા હતા. તેમ જ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે એક જેસીબી, બે ગૅસ કટર અને બે ગ્રાઈન્ડર જેવા મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.