(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મુંબઈના સાર્વજનિક રસ્તાઓ, ચોક તો ઠીક મુંબઈના પુલ, ફલાયઓવર તથા મોનો,મેટ્રોરેલના થાંભલાઓે પણ હૉર્ડિંગ અને પોસ્ટરોથી મુક્ત રહ્યા નથી. તેથી બહુ જલદી મુંબઈ મહાનગરપાલિકા સમગ્ર મુંબઈમાં આવેલા બ્રિજ, ફ્લાયઓવર અને મોનોરેલના થાંભલાઓને કદરૂપું બનાવતા ગેરકાયદેસ પોસ્ટરો, બેનરો, હોર્ડિંગ્સ અને પ્રમોશનલ સ્ટીકરો સામે ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યું છે.
પાલિકા પ્રશાસને બુધવારે જાહેર કર્યું હતું કે ગણેશોત્સવ બાદ ૨૫ સપ્ટેમ્બરથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. મુંબઈના મેયર રીતુ તાવડેએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ પાલિકા કમિશનરને પત્ર લખીને એવી વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી અને ભારે દંડની માગણી કરશે, જેમની તસવીરો અથવા પ્રમોશનલ સામગ્રી અનધિકૃત પ્રચાર સામગ્રી પર જોવા મળે છે.
ગેરકાયદે હોર્ડિંગ્સ અને બેનરો સામે બોમ્બે હાઈ કોર્ટના નિર્દેશો હોવા છતાં જાહેર માળખાગત સુવિધાઓને સતત કદરૂપા કરવામાં આવતી હોવાની ચિંતાઓ વચ્ચે આ મુદ્દો સામે આવ્યો છે. મેયરે બુધવારે કહ્યું હતું કે આ સમસ્યા માત્ર પરંપરાગત બેનરો અને પોસ્ટરો પૂરતી સીમિત નથી પણ મોનોરેલના થાંભલા અને ફ્લાયઓવરના પીલર પર પણ પ્રમોશનલ સ્ટીકરો પણ ચોંટાડવામાં આવે છે. આ સ્ટીકરોને દૂર કરવામાં ભારે મુશ્કેલી આવે છે. જાહેર માળખાઓ પરથી સ્ટીકરો દૂર કરવા મુશ્કેલ છે અને તે દૂર કર્યા પછી પણ નિશાન રહી જાય છે. આવા પ્રચારથી લાભ મેળવનારાઓને પણ જવાબદાર ઠેરવવા જોઈએ. મેયર કમિશનરને એવી જોગવાઈઓની તપાસ કરવાની વિનંતી કરવાની યોજના ધરાવે છે જેના હેઠળ ગેરકાયદેસર પ્રચાર સામગ્રી પર નામ કે તસવીરો હોય તેવા લોકો સામે કેસ નોંધી શકાય અને ભારે દંડ ફટકારી શકાય.
શહેરમાં હાલ ઠેર ઠેર ગેરકાયદે રીતે હૉર્ડિંગો અને બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે અને આ સમસ્યા સામાન્ય રીતે તહેવારો દરમ્યાન વકરી જાય છે, જ્યારે શહેરભરમાં અનેક સ્થળોએ બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવે છે. ચાલુ ગણેશોત્સવે ફરી એકવાર આ મુદ્દાને ચર્ચામાં મૂક્યો છે, કારણ કે જાહેર માળખાગત સુવિધાઓ પર અનધિકૃત પ્રચાર સામગ્રી જોવા મળી રહી છે.
આ બાબતે મેયરે કહ્યું કે પાલિકા પ્રશાસને હાઈ કોર્ટના નિર્દેશોનો અસરકારક અમલ સુનિશ્ર્ચિત કરવો જોઈએ અને સંકેત આપ્યો કે તેઓ અમલીકરણ અંગે પાલિકાના અધિકારીઓ સાથે ફોલો-અપ કરશે.
પાલિકાનો લાઈસન્સ વિભાગ ગેરકાયદે બેનરો, પોસ્ટરો અને હોર્ડિંગ્સ સામે કાર્યવાહી કરવા માટે જવાબદાર છે. જોકે, તહેવારના સમયગાળા દરમિયાન અમલીકરણ અંગે પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા છે.લાઈસન્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રશાસન ગણેશોત્સવ પૂરો થયા બાદ ૨૫ સપ્ટેમ્બરથી તેની કાર્યવાહી શરૂ કરશે.