Fri May 01 2026

Logo

તમિલનાડુમાં પલટાશે સમીકરણો? ભાજપે અભિનેતા વિજયને લલચાવવા ફેંક્યો મોટો પાસો

2026-03-15 13:55:00
Author: Tejas Rajpara
Article Image

નવી દિલ્હી: તમિલનાડુની ધરતી પર હંમેશાથી સિનેમા અને સત્તાનો અતૂટ સંબંધ રહ્યો છે. હવે આ જ પરંપરામાં એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં પગપેસારો કરવા માટે દક્ષિણ ભારતના સુપરસ્ટાર અને રાજનેતા વિજયની પાર્ટી 'ટીવીકે' (TVK) સામે મિત્રતાનો હાથ લંબાવ્યો છે. દક્ષિણમાં ભાજપ પોતાની પકડ મજબૂત કરવા માટે એક મજબૂત પ્રાદેશિક ચહેરાની શોધમાં અને વિજયની લોકપ્રિયતા ભાજપ માટે જીતની ચાવી સાબિત થઈ શકે તેમ છે. 

ડેપ્યુટી સીએમ પદ અને 80 બેઠકોની ઓફર

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભાજપ હાઈકમાન્ડે અભિનેતા વિજય સામે ગઠબંધન માટે ખૂબ જ આકર્ષક પ્રસ્તાવ મૂક્યો છે. એર મીડિયા અહેવાલ પ્રમાણે, ભાજપે વિજયની પાર્ટીને આગામી ચૂંટણીમાં 80 બેઠકો ફાળવવાની અને જીત બાદ વિજયને નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) પદ આપવાની ઓફર કરી છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે, જો વિજયના ચાહકોનો વિશાળ વર્ગ એનડીએ (NDA) સાથે જોડાય, તો રાજ્યમાં વર્ષોથી ચાલતા દ્રવિડિયન પક્ષોના વર્ચસ્વને મોટો પડકાર આપી શકાય છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ વિજયને નાયબ મુખ્યમંત્રી બનાવવા તૈયાર હોય, પરંતુ સુપરસ્ટાર વિજયની નજર તો મુખ્યમંત્રીની ખુરશી પર હોવાનું જણાય છે. રાજકીય વિશ્લેષકોના મતે, વિજય પોતાની પ્રથમ ચૂંટણીમાં જ મુખ્ય ભૂમિકા ભજવવા માંગે છે, જે હાલમાં આ ગઠબંધન આડે સૌથી મોટો 'સ્પીડ બ્રેકર' છે. રસપ્રદ વાત એ છે કે, આ ગઠબંધન માટે અન્ય એક રાજ્યના નાયબ મુખ્યમંત્રી મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જે બંને પક્ષો વચ્ચે મંત્રણાનો માર્ગ મોકળો કરી રહ્યા છે.

જો આ ગઠબંધન હકીકતમાં બદલાશે, તો તમિલનાડુમાં અત્યાર સુધી જે મુકાબલો ડીએમકે (DMK) અને એઆઈએડીએમકે (AIADMK) વચ્ચે મર્યાદિત રહ્યો છે, તે ત્રિપાંખિયા જંગમાં ફેરવાઈ શકે છે. જો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિજયના અંગત સલાહકારો ગઠબંધન અંગે સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે વિજયે પોતાની રાજકીય સફર એક 'ત્રીજા વિકલ્પ' તરીકે શરૂ કરી છે, ત્યારે અકાળે રાષ્ટ્રીય ગઠબંધનનો હિસ્સો બનવાથી તેમની સ્વતંત્ર છબીને નુકસાન પહોંચી શકે છે. હવે જોવાનું એ રહેશે કે વિજય ભાજપની આ 'ઓફર' સ્વીકારે છે કે એકલા હાથે જંગ લડે છે.