Mon May 04 2026

Logo

બંગાળમાં મમતાના જ નહીં, ડાબેરીઓના ગઢમાં પણ ભાજપએ પાડ્યું ગાબડું! કેરળમાં ભાજપની ત્રિપુટીનો વિજય

2026-05-04 19:06:31
Author: Devayat Khatana
Article Image

થિરુવનંતપૂરમ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક પ્રદર્શન કરતા પ્રથમ વખત સત્તાની ધૂરા સંભાળવાની તૈયારી કરી લીધી છે. તાજેતરના વલણો મુજબ ભાજપ રાજ્યની 200 બેઠક પર મજબૂત સરસાઈ ધરાવે છે, જે બહુમતીના આંકડાથી ઘણી વધારે છે. આ ઉપરાંત, આસામમાં પણ ભાજપે સતત ત્રીજી વખત સત્તા જાળવી રાખીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે. ભાજપની આ વિજયી લહેરનો પ્રભાવ દક્ષિણ ભારતના કેરળ રાજ્ય સુધી પહોંચ્યો છે, જ્યાં લાંબા સમયના સંઘર્ષ બાદ પાર્ટીએ પોતાની રાજકીય વગ મેળવવામાં સફળતા મેળવી છે.

કેરળમાં ભાજપ માટે સૌથી મોટા સમાચાર 'નેમમ' અને 'કઝાકુટ્ટમ' બેઠક પરથી આવ્યા છે. નેમમ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા રાજીવ ચંદ્રશેખરે 57,192 મત મેળવીને સીપીઆઈ(એમ)ના વી. શિવનકુટ્ટીને 4,978 મતોના તફાવતથી પરાજય આપ્યો છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર એડવોકેટ કે. એસ. સબરીનાધન ત્રીજા ક્રમે રહ્યા હતા. આ જીત સાથે ભાજપે કેરળના રાજકારણમાં પોતાનો મજબૂત પાયો નાખ્યો છે, જે આગામી સમયમાં ડાબેરી અને કોંગ્રેસના ગઠબંધન માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.

બીજી તરફ, કઝાકુટ્ટમ બેઠક પર ભાજપના વી. મુરલીધરને શ્વાસ અદ્ધર કરી દે તેવી રસાકસી બાદ જ્વલંત વિજય મેળવ્યો છે. 18 રાઉન્ડની મતગણતરીના અંતે મુરલીધરને સીપીઆઈ(એમ)ના કે. સુરેન્દ્રનને માત્ર 428 મતથી હરાવ્યા છે. મુરલીધરનને કુલ 46,564 મતો મળ્યા હતા. તેવી જ રીતે ચથન્નૂર બેઠક પર ભાજપના બી. બી. ગોપાકુમારે 51,923 મતો મેળવીને સીપીઆઈના એડવોકેટ આર. રાજેન્દ્રનને 4,398 મતોથી પરાજય આપીને કેરળમાં ભાજપની ત્રીજી બેઠક નિશ્ચિત કરી છે.

આમ સમગ્ર રીતે જોઈએ તો, ભાજપ માટે આ પરિણામો બંગાળની જીત જેટલા જ મહત્વના છે. કેરળ જેવા રાજ્યમાં જ્યાં અત્યાર સુધી ભાજપ માટે જીતવું મુશ્કેલ ગણાતું હતું, ત્યાં ત્રણ બેઠકો પર ભવ્ય વિજય મેળવવો એ પક્ષની બદલાતી રણનીતિનો પુરાવો છે. બંગાળમાં સ્પષ્ટ બહુમતી, આસામમાં હેટ્રિક અને કેરળમાં ખાતું ખોલ્યા બાદ હવે ભાજપ રાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનીને ઉભરી રહ્યું છે.