Thu Oct 01 2026

Logo

દુબઈથી સસ્તા સોનાના નામે વડોદરાના પિતા-પુત્ર સાથે રૂ.54 લાખની ઠગાઈ: ભુજની ગેંગ સામે ગુનો

2026-08-29 12:12:00
Author: Mumbai Samachar Team
દુબઈથી સસ્તા સોનાના નામે વડોદરાના પિતા-પુત્ર સાથે રૂ.54 લાખની ઠગાઈ: ભુજની ગેંગ સામે ગુનો

Ai Image


ભુજઃ સોશિયલ મીડિયા પર બજારભાવ કરતાં ૨૫ ટકા સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાત મૂકી વડોદરાના પિતા-પુત્રને જાળમાં ફસાવી રૂ.૫૪,૧૫,૦૦૦ પચાવી પાડનારા છ શખ્સો વિરુદ્ધ ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો  હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરામાં નવગ્રહના નંગોનો વ્યવસાય કરતા અભય પ્રસન્ના પટવર્ધને ઈન્સ્ટાગ્રામ પર 'સુનીલ પટેલ' નામની આઈ.ડી પર સસ્તા સોનાની આકર્ષક જાહેરાત જોઈ હતી. સંપર્ક કરતાં આરોપીઓએ ભુજ બોલાવી ૧૦૦ ગ્રામ સોનાનું બિસ્કિટ રૂ. ૮ લાખમાં આપવાની લાલચ આપી રકમ પડાવી લીધી હતી અને સોનું વડોદરા પહોંચાડી દેવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ સોનું મુંદરા કસ્ટમમાં ફસાયું હોવાના બહાના બતાવી વધુ રકમ મેળવી હતી.

બાદમાં દુબઈથી ૧૦ કિલો સોનાનું નેટવર્ક હોવાનું કહી પિતા-પુત્રને માંડવી બોલાવી મકાન લોનની રકમ સહિત કસ્ટમ અધિકારીઓ અને કથિત પોલીસ અધિકારી 'ડીસોઝા'ના નામે ટુકડે-ટુકડે કુલ રૂ. ૫૪.૧૫ લાખ પડાવી લીધા હતા. સતત બહાનાબાજીથી કંટાળીને ફરિયાદીએ તપાસ કરતાં આરોપીઓની સાચી ઓળખ છતી થઈ હતી.

આ મામલે ઝાકીર ઉર્ફે જાકીરીયો મહમદહનીફ સોઢા (બનાવટી નામ: યુસુફખાન), મહમદહનીફ નૂરમામદ સોઢા, અલીમામદ નૂરમામદ સોઢા, અમીન મહમદહનીફ સોઢા, અબ્દુલ ખલીફા અને અબ્દુલ્લા જાની સુમરા નામના છ શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો છે. ભુજ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી હતી.

(ઉત્સવ વૈદ્ય)