બેસ્ટના વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારી સંબંધી મોટા ભાગની માગણી સ્વીકારાઈ ગઈ હોવાથી હડતાળ પાછી ખેંચી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના બસ વિભાગના કર્મચારીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ત્રણ દિવસથી ચાલી રહેલા કામકાજ બંધ આંદોલન આખરે રવિવારે રાતે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી બેસ્ટના ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારીઓ દ્વારા બોલાવવામાં આવેલી હડતાળને કારણે મુંબઈવાસીઓ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. આખરે, આજે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવી જાહેરાત કરી હતી કે બેસ્ટ એક્શન કમિટીની માગણીઓ સ્વીકારાઈ ગઈ હોવાથી સરકાર વતી હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે.
એકનાથ શિંદેએ એવી જાહેરાત કરી હતી કે કર્મચારીઓની પડતર ગ્રેચ્યુઈટીની રકમ આ જ આર્થિક વર્ષમાં આપવામાં આવશે. સાર્વજનિક પરિવહન સેવાને સક્ષમ કરવા માટે આગામી ત્રણ વર્ષમાં પાંચહજાર નવી બસ પોતાની માલિકીની ખરીદવામાં આવશે. આ ઉપરાંત નવો વેતન કરાર થાય ત્યાં સુધી કર્મચારીઓને વચગાળાની રાહત પેટે બેસ્ટના કર્મચારીઓને 3,000 રૂપિયા અને વેટ-લીઝ પરના કર્મચારીઓને માસિક 2,000 રૂપિયા કામચલાઉ વધારાપેટે આપવામાં આવશે.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક દ્વારા બેસ્ટ એક્શન કમિટી સાથે એક કલાક લાંબી બેઠક બાદ, મુંબઈમાં બેસ્ટ કર્મચારીઓની હડતાળ આખરે ત્રીજા દિવસે સમેટાઈ ગઈ છે. ભૂતપૂર્વ અને વર્તમાન બેસ્ટ કર્મચારીઓના 12 સંગઠનોએ ગુરુવાર રાતથી કામકાજ બંધ રાખ્યું હતું.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે બેસ્ટ કર્મચારીઓની બાકી ગ્રેચ્યુઇટીની રકમ આ વર્ષે ચૂકવવામાં આવશે. બેસ્ટમાં સ્વ-માલિકીના વાહનોની સંખ્યા ઓછી હોવાથી નુકસાન વધી રહ્યું છે. આ કારણે આગામી ત્રણ વર્ષમાં પાંચ હજાર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવામાં આવશે. એકનાથ શિંદેએ એ પણ સ્પષ્ટતા કરી છે કે બેસ્ટને નાણાકીય રીતે સક્ષમ બનાવવા માટે સમયસર પગલાં લેવામાં આવશે અને આગામી પાંચ વર્ષમાં બેસ્ટ આર્થિક રીતે સક્ષમ બનશે.