Tue Sep 29 2026

Logo

બેસ્ટના વર્ધાપન દિને જ બસના ઍક્સિડન્ટમાં પાલિકાની સફાઈ કર્મચારીનું મોત

2026-08-07 19:46:37
Author: Sapna Desai
બેસ્ટના વર્ધાપન દિને જ બસના ઍક્સિડન્ટમાં પાલિકાની સફાઈ કર્મચારીનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:  
પૂર્વીય ઉપનગરના મુલુંડમાં શુક્રવારે બપોરે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) બસે મુંબઈ મહાનગરપાલિકાની ૫૬ વર્ષીય સફાઈ કર્મચારીને કચડી નાખતા તેનું મોત નીપજ્યું હતું.

બેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે નેરુલ બસ સ્ટેશનથી બસ મુલુંડ ચેક નાકા જઈ રહી હતી ત્યારે ચેકનાકા વિસ્તારમાં બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જ્યારે બસ ટ્રાફિક સિગ્નલ પર ઉભી રહી હતી.  ડ્રાઇવરે બસ ચાલુ કરી હતી તે જ સમયે રોડ ક્રોસ કરી રહેલી એક મહિલા આગળના જમણા ટાયરની નીચે આવી ગઈ હતી અને કચડાઈ ગઈ હતી.

ઍક્સિડન્ટનો ભોગ બનેલી મહિલા જયશ્રી ભાણાજી પરમારને ગંભીર ઈજાઓ થઈ હતી. કંડક્ટરે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને જખમી મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે ૩૩ વર્ષના બસ ડ્રાઇવર  રવિ ભગવંત ભોઈસ અને ૨૬ વર્ષના કંડક્ટર શૈલેષ સુધાકર વાઘને વધુ તપાસ માટે મુલુંડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.બસ ખાનગી ઓપરેટર માતેશ્ર્વરી પાસેથી વેટ-લીઝ પર લેવામાં આવી હતી.