Sun Sep 06 2026

Logo

14 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર ટકરાશે ‘આવારાપન 2’ અને ‘બંટવારા 1947’, એડવાન્સ બુકિંગમાં કોણે મારી બાજી?

2026-08-13 10:30:00
Author: Vimal Prajapati
14 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર ટકરાશે ‘આવારાપન 2’ અને ‘બંટવારા 1947’, એડવાન્સ બુકિંગમાં કોણે મારી બાજી?

મુંબઈઃ બોક્સ ઓફિસ પર અવારનવાર મોટી ફિલ્મોની ટક્કર જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે 14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના વીકેન્ડ પર ટિકિટ બારી પર મોટી ભીડ જોવા મળી શકે છે. એક તરફ બોલીવુડના એક્શન સ્ટાર સની દેઓલની ફિલ્મ ‘બંટવારા 1947’ છે, તો બીજી તરફ ઈમરાન હાશ્મીની ચર્ચિત ફિલ્મ ‘આવારાપન 2’ રિલીઝ થવા જઈ રહી છે. બંને ફિલ્મોનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે અને પ્રારંભિક આંકડાઓ ખૂબ જ રસપ્રદ ચિત્ર રજૂ કરી રહ્યા છે.

એડવાન્સ બુકિંગમાં 'આવારાપન 2'ની મજબૂત પકડ

ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન 2’ એડવાન્સ બુકિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. શરૂઆતના દિવસોમાં જ આ ફિલ્મે 72 હજારથી વધુ ટિકિટો વેચીને કરોડો રૂપિયાનું એડવાન્સ કલેક્શન કરી લીધું છે. ફિલ્મ રિલીઝ થવા સુધીમાં આ આંકડો હજુ પણ મોટો થઈ શકે છે. એવી ધારણા છે કે 'આવારાપન 2' ઓપનિંગ ડે પર 15 થી 20 કરોડ રૂપિયા સુધીનો ધમાકેદાર આંકડો સ્પર્શી શકે છે.  

સની દેઓલની 'બંટવારા 1947'ની ધીમી શરૂઆત

આ સાથે સની દેઓલની ફિલ્મ ‘બંટવારા 1947’ એડવાન્સ બુકિંગની રેસમાં થોડી પાછળ ચાલી રહી છે. અત્યાર સુધી આ ફિલ્મની લગભગ 21 હજાર ટિકિટો જ વેચાઈ છે, જેમાંથી માત્ર 58 લાખ રૂપિયા આસપાસની કમાણી થઈ છે. પરંતુ ફિલ્મ સની દેઓલની હોવાથી રિલીઝ થયા બાદ સારી એવી કમાણી કરી શકે છે. એટલે કે રિલીઝના દિવસે ગ્રાઉન્ડ લેવલ પર ચિત્ર બદલાઈ પણ શકે છે. પરંતુ કેટલી કમાણી થશે તેનો અંદાજ લગાવી શકાય નહીં. 

 

14 ઓગસ્ટે આ બંને ફિલ્મો એકસાથે આવવાથી બંનેના શોઝ અને કમાણીની વહેંચણી પર અસર પડશે. આ ઉપરાંત, કમાણીનો આ રસ્તો આગળ પણ સરળ નથી રહેવાનો, કારણ કે 26 ઓગસ્ટે સુપરસ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ 'ટોક્સિક' (Toxic) પણ રિલીઝ થવા જઈ રહી છે. હવે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ બોક્સ ઓફિસ જંગમાં કઈ ફિલ્મ પ્રેક્ષકોનું દિલ જીતીને કમાણીના રેકોર્ડ બનાવે છે.