Sun Jul 26 2026

Logo

UPમાં આફતનો વરસાદ! 7 લોકોના મોત, આ જિલ્લા માટે IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

2026-07-10 08:32:00
Author: Mumbai Samachar Team
Article Image

લખનઉ: ઉત્તર પ્રદેશમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત થઈ રહેલા ભારે વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાં ગુરુવારે ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. પરિસ્થિતિને જોતાં ભારતીય હવામાન વિભાગે (IMD) પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે (10 જુલાઈ) ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપતાં લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.

વરસાદ સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં સંત કબીર નગર, કુશીનગર, બુલંદશહર, શામલી અને ગાઝિયાબાદમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, નોઇડા, ગાઝિયાબાદ, પ્રયાગરાજ અને લખનઉ સહિતના કેટલાક શહેરોમાં જળભરાવ (પાણી ભરાવા), ટ્રાફિક જામ અને રસ્તા બેસી જવાની ઘટનાઓએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.

17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર

હવામાન વિભાગે આજે દિલ્હી સહિત દેશના 17 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગાઝિયાબાદમાં ઘરની બહાર ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી એક ત્રણ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. બીજી તરફ, ઇન્દિરાપુરમના જ્ઞાનખંડ સ્થિત એક પાર્કમાં વરસાદ દરમિયાન ટ્રાન્સફોર્મરમાં કરંટ ઉતરવાને કારણે સોસાયટીના એક ચોકીદારે જીવ ગુમાવ્યો છે. આ સિવાય માત્ર ઉત્તર પ્રદેશમાં જ વરસાદને કારણે થયેલા અકસ્માતો અને વીજળી પડવાથી 17 લોકોના મોત થયા છે.

વીજળી પડવાથી ત્રણના મોત

સંત કબીર નગરની મેહદાવલ તહસીલ (તાલુકા)માં ખેતરોમાં કામ કરી રહેલી 17 વર્ષીય ચાંદની અને 60 વર્ષીય વરસાનાનું અલગ-અલગ ગામોમાં આકાશી વીજળી પડવાથી મોત નીપજ્યું છે. વહીવટીતંત્રે બંને કેસોનો અહેવાલ મંગાવ્યો છે અને મૃતકોના પરિવારોને સરકારી સહાય આપવાની વાત કહી છે.


આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

આઇએમડી (IMD) ના લખનઉ સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર મુઝફ્ફરનગર, બિજનોર, અમરોહા, મુરાદાબાદ, રામપુર, બરેલી, પીલીભીત, સંભલ અને બદાયૂંમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય પશ્ચિમ અને મધ્ય ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભારેથી ખૂબ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.