ભુજઃ કચ્છની ધરતી તેની ભૌગોલિક વિવિધતા અને પ્રાકૃતિક સંપદા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તાજેતરમાં વેટલેન્ડ ઇન્ટરનેશનલ, સ્વિત્ઝર્લેન્ડ દ્વારા દર વર્ષે સમગ્ર એશિયામાં યોજાતી 'એશિયન જળચર પક્ષી ગણતરી' અંતર્ગત કચ્છના સમૃદ્ધ પક્ષી જગતની એક અત્યંત આશાસ્પદ તસવીર સામે આવી છે. ભુજની જાણીતી સંસ્થા પેલિકન નેચર ક્લબ દ્વારા ફેબ્રુઆરી માસ દરમિયાન જિલ્લાના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં પક્ષીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.
૮૦ જેટલી વિવિધ પ્રજાતિઓ જોવા મળી
આ ગણતરી કાર્ય ભુજ, માંડવી અને અંજાર તાલુકાના પસંદગીના ૧૫ જેટલા વેટલેન્ડ્સ (જળપ્લાવિત સ્થળો) પર કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત ૮,૦૦૦ પક્ષીઓની નોંધણી કરવામાં આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ પક્ષીઓમાં ૮૦ જેટલી વિવિધ પ્રજાતિઓ જોવા મળી હતી, જેમાંથી લગભગ ૫૦ ટકા જેટલા પક્ષીઓ વિદેશી મહેમાન એટલે કે યાયાવર હતા.
'મોટા હંજ' જોવા મળ્યા
પક્ષીવિદો માટે સૌથી વધુ ઉત્સાહજનક સમાચાર રણ પ્રદેશમાંથી મળ્યા છે. ગણતરી દરમિયાન બે અલગ-અલગ સ્થળોએ 'મોટા હંજ' જોવા મળ્યા હતા. આ પક્ષીઓની હાજરી એવો સ્પષ્ટ સંકેત આપે છે કે કચ્છના મોટા રણમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ 'સુરખાબનગર'માં હજુ પણ પ્રજનનની પ્રવૃત્તિઓ વેગવંતી છે.
બીજી તરફ, માંડવીનો દરિયાકાંઠો પક્ષીઓનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો, જ્યાં ૩,૦૦૦ જેટલા ધોમડા અને ૨,૦૦૦ જેટલા કરકરા પક્ષીઓની જંગી સંખ્યા નોંધાઈ હતી. આ ઉપરાંત, દરિયાઈ અબલખ અને ઉલટી ચાંચ તુતવારી જેવા વિશિષ્ટ પક્ષીઓએ પક્ષીપ્રેમીઓમાં આકર્ષણ જમાવ્યું હતું.
કાબરી રામચકલી પણ જોવા મળી
માત્ર જળચર જ નહીં, પરંતુ જમીન પર વિહરતા દુર્લભ પક્ષીઓ પણ આ મોજણીમાં કેમેરામાં કેદ થયા હતા. જેમાં અત્યંત ભયગ્રસ્ત મનાતી કાબરી રામચકલી અને ભાગ્યે જ જોવા મળતું 'સિરકીર' પક્ષી મુખ્ય છે. યાયાવર મહેમાનોમાં લુહાર, ગયણો, પિયાસણ, શીંગપર, નાની મુરઘાદી અને રાખોડી તેમજ ચોટીલી કારચિયા બતકો જોવા મળી હતી. જ્યારે કાદવ ખુંદનારા પક્ષીઓમાં રાખોડી બાટણ, ટીલિયો, ગારખોદ, કાળીપૂંછ ગડેરો, ખનેલી અને ટપકીલી તુતવારી જેવા પક્ષીઓએ જળાશયોની શોભા વધારી હતી.
આ સમગ્ર ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે પેલિકન નેચર ક્લબના પ્રમુખ નવીન બાપટ, મંત્રી જયસિંહ પરમાર તથા સભ્યો શાંતિલાલ વરૂ, ઇબ્રાહીમ દરવાડિયા અને ગની ખત્રીએ ભારે જહેમત ઉઠાવી હતી. આ રિપોર્ટ કચ્છના જૈવ-વિવિધતાના સંરક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ નવીન બાપટે વ્યક્ત કર્યો હતો.
(ઉત્સવ વૈદ્ય)