Tue Oct 06 2026

Logo

રૂ. 5,000 લઈને મુંબઈ આવેલા યુવાને 'ગોડફાધર' વિના ઊભું કર્યું 800 કરોડનું સામ્રાજ્ય, જાણો સફળ નિર્માતાએ કઈ આપી ફિલ્મો...

2026-09-10 21:24:29
Author: Mumbai Samachar Team
રૂ. 5,000 લઈને મુંબઈ આવેલા યુવાને 'ગોડફાધર' વિના ઊભું કર્યું 800 કરોડનું સામ્રાજ્ય, જાણો સફળ નિર્માતાએ કઈ આપી ફિલ્મો...

મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે હજારો યુવાનો મોટા મોટા સપના લઈને માયાનગરી આવતા હોય છે, પરંતુ તેમાંથી અમુક લોકો એવા હોય છે, જેના કોઈ ગુરુ કે 'ગોડફાધર' વિના પોતાનું ભાગ્ય લખે છે. હિન્દી સિનેમાને એક નવા પરિમાણો આપનાર ડાયરેક્ટર અને રાઇટર અનુરાગ કશ્યપની ગણતરી પણ એવા જ અમુક ગણ્યાગાંઠ્યા નિર્માતાઓમાં થાય છે. આજે ભલે તેઓ વૈભવી લાઇફસ્ટાઇલ જીવે છે પણ ભૂતકાળમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને એવો જ ઈતિહાસ લખનારા છે અનુરાગ કશ્યપ.

5,000 રૂપિયા લઈને પહોંચ્યા હતા મુંબઈ 

યુપીના ગોરખપુરમાં 10 સપ્ટેમ્બર 1972માં જન્મેલા અનુરાગ કશ્યપના પ્રારંભિક અભ્યાસ બાદના જીવનમાં ઘણી તકલીફો વેઠી હતી. તેમણે દિલ્હીની હંસરાજ કોલેજથી પોતાના સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. કોલેજના દિવસોમાં જ થિયેટર અને શેરી નાટકોથી જોડાવાના લીધે તેમની સચોટ એક્ટિંગ અને ફિલ્મો તરફ વધવા તેઓ લાગ્યા હતા. 

સિનેમા પ્રત્યે જુસ્સો એટલો વધી ગયો કે વર્ષ 1993માં તે પોતાના ખિસ્સામા ફક્ત 5000 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા. નવા શહેરમાં કામ શોધવું સરળ નહોતું. પૈસા પૂરા થવા લાગતા મજબૂરીમાં તેમને રસ્તાઓ, ફૂટપાથ અને ક્યારેક ક્યારેક ટ્રાફિક સિગ્નલના કિનારે સૂઈને રાત પસાર કરવી પડતી હતી. 

ફિલ્મ 'સત્યા'ની સફળતાએ ભાગ્ય બદલ્યું 

સંઘર્ષના દિવસોમાં અનુરાગ કશ્યપે લેખનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમનો સૌપ્રથમ 'ઓટો નારાયણ' અને 'જયતે' જેવી ફિલ્મોની કહાનીઓ લખી હતી, પરંતુ અમુક કારણોસર આ ફિલ્મ કોઈ પણ કારણે મોટા પડદે પહોંચી ન શકી. તેમની કારકિર્દીમાં મોટો વળાંક ત્યારે આવ્યો જયારે અભિનેતા મનોજ વાજપેયી સ્ટારર ફિલ્મ 'સત્યા'ની કહાની લખી હતી. આ ફિલ્મે તેમને રાતોરાત સફળતા અપાવી હતી. ત્યારબાદ તેમણે 'શૂલ'ના ડાયલોગ લખ્યા અને 'કૌન'ની કહાની તૈયાર કરી હતી. આગળ ચાલીને 'ઉડાન', 'વોટર' અને 'ભાવેશ જોશી સુપરહીરો' જેવી ફિલ્મોની સ્ટોરીમાં પણ જોડાયેલા રહ્યા અને પોતાનું લેખન ચાલુ રાખ્યું હતું. 

'ગેંગ્સ ઓફ વાસેપુરે' બનાવ્યા 'બાદશાહ' 

દિગ્દર્શક તરીકે અનુરાગ કશ્યપની પ્રારંભિક સફર સરળ રહી નહોતી. તેમની પહેલી ફિલ્મ 'પાંચ' ક્યારેય રિલીઝ જ ન થઇ શકી, ત્યાર બાદ 'બ્લેક ફ્રાઈડે'ને પણ સેન્સર બોર્ડથી લીલી ઝંડી મેળવવા માટે 2 વર્ષ જેટલી રાહ જોવી પડી હતી. જો કે 'દેવ ડી' અને 'ગુલાલ' જેવી ફિલ્મોએ તેમના ટીકાકારોને પણ વખાણ કરવા મજબુર બનાવ્યા હતા. પરંતુ 2012માં આવેલી ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' ફિલ્મે સફળતાનાં શિખરો સર કર્યા હતા. આ ફિલ્મે ફક્ત સિનેમાઘરોમાં ધમાલ જ ન મચાવી, પરંતુ બેસ્ટ ડાયરેક્ટરોમાં સામેલ પણ કર્યા હતા. ત્યારબાદ અનુરાગે 'રમણ રાઘવ 2.0', 'મુક્કાબાજ', 'મન મર્ઝિયા' જેવી ફિલ્મોમાં ભવ્ય ડાયરેક્શન કર્યું હતું. 

કરોડો કમાઈને બન્યા કરોડોની સંપત્તિના માલિક 

શરૂઆતમાં આર્થિક તંગીનો સામનો કરનારા અનુરાગ કશ્યપ આજે ઇન્ડસ્ટ્રીના સૌથી ધનાઢ્ય ફિલ્મ મેકર્સમાં ગણવામાં આવે છે. ડાયરેક્શન સિવાય તેમણે 'મસાન', 'ધ લંચબોક્સ' અને 'ક્વિન' જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તેમની પોતાની 'અનુરાગ કશ્યપ ફિલ્મ્સ' નામથી પ્રોડક્શન કંપની છે. ખબરો અનુસાર આજે તેમની પાસે 800 કરોડથી વધુ સંપત્તિ છે અને તેમની મહિનાની કમાણી કરોડો રૂપિયામાં છે. ફૂટપાટથી શરૂ થયેલી તેમની આ સફર આજે પણ ઘણા લોકો માટે પ્રેરણાદાયી છે.