Fri May 01 2026

Logo

હોળી પર મળી જશે કન્ફર્મ ટિકિટ! ગુજરાતથી રાજસ્થાન તરફની સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત

2026-02-17 10:23:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ/ભાવનગર: હોળી પૂર્વે ગુજરાતથી રાજસ્થાન જનારા રેલ મુસાફરો માટે સારા સમાચાર છે.  કારણ કે હવે ગુજરાતથી રાજસ્થાન જવા માટે વધુ એક ટ્રેન સેવાનો લાભ મળી રહેવાનો છે. રેલવે દ્વારા ભાવનગર-બીકાનેર વચ્ચે ૨૨ ફેબ્રુઆરીથી સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો મુસાફરોને મોટી રાહત મળી આવશે. 

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને આગામી સમયમાં રહેતી ભીડને પહોંચી વળવા માટે ભાવનગર ટર્મિનસ અને બીકાનેર વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક 'સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન' શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09271 ભાવનગર ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ ૨૨ ફેબ્રુઆરીથી ૨૯ માર્ચ, ૨૦૨૬ સુધી દર રવિવારે વહેલી સવારે ૦૪:૨૫ કલાકે ભાવનગરથી ઉપડશે અને બીજા દિવસે ૦૧:૧૫ કલાકે બીકાનેર પહોંચશે. વળતી મુસાફરીમાં, ટ્રેન નંબર 09272 બીકાનેરથી ૨૩ ફેબ્રુઆરીથી ૩૦ માર્ચ સુધી દર સોમવારે સવારે ૦૯:૦૦ કલાકે રવાના થશે.

મુખ્ય સ્ટોપેજ અને કોચની સુવિધા
આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં ગુજરાતના સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, ગાંધીનગર કેપિટલ, મહેસાણા અને પાલનપુર જેવા મહત્વના સ્ટેશનો પર ઉભી રહેશે. ત્યારબાદ આબુ રોડ, મારવાડ, જોધપુર અને નાગોર થઈને બીકાનેર પહોંચશે. મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી તમામ વર્ગના મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે.

બુકિંગ પ્રક્રિયા અને વધુ માહિતી
આ ટ્રેન માટેની ટિકિટ બુકિંગ આજથી એટલે કે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬થી રેલવેના તમામ PRS કાઉન્ટર અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવી છે. મુસાફરો આ ટ્રેનના સમયપત્રક, સ્ટોપેજ અને કોચ કમ્પોઝિશન વિશેની વધુ વિગતવાર માહિતી મેળવવા માટે રેલવેની હેલ્પલાઇન અથવા પોર્ટલની મદદ લઈ શકે છે.