ભુજ: શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોરના ત્રાસ અને તેનાથી થતાં માનવમૃત્યુ તેમજ માલ-મિલકતના નુકસાન મુદ્દે હાઈકોર્ટની લાલ આંખ છતાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે આવી રહી છે. અંજાર શહેરના સચ્ચિદાનંદ મંદિર પાછળ બોડા ફળિયા વિસ્તારમાં રખડતી ગાયે શિંગડું ભરાવી દેતાં એક વૃદ્ધ ગંભીર રીતે ઘવાયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, અંજારના બોડા ફળિયામાં રહેતા ભરત મહાશંકર પંડ્યા (ઉ.વ.૬૯) ગત તા. ૧૦ સપ્ટેમ્બરના બપોરના સમયે પોતાના ઘર પાસે ઊભા હતા, ત્યારે અચાનક આવી પહોંચેલી એક ગાયે તેમના પેટના ભાગે શિંગડું ભરાવી દીધું હતું. ગાયના હુમલામાં વૃદ્ધને પેટમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બનાવ બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સ્થાનિકે પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરવામાં આવી છે.
રખડતા પશુઓના વધતા ત્રાસ વિરુદ્ધ પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે.
ઉત્સવ વૈદ્ય