Sun Sep 13 2026

Logo

ઓનમ નિમિત્તે મુંબઈનું અંધેરી મેટ્રો સ્ટેશન રંગબેરંગી ફૂલોથી સજાવાયું, પૂક્કલમે જીત્યા પ્રવાસીઓના દિલ

2026-08-25 19:08:17
Author: Mumbai Samachar Team
ઓનમ નિમિત્તે મુંબઈનું અંધેરી મેટ્રો સ્ટેશન રંગબેરંગી ફૂલોથી સજાવાયું, પૂક્કલમે જીત્યા પ્રવાસીઓના દિલ

મુંબઈ: કેરલમનો સૌથી લોકપ્રિય તહેવાર ઓનમ હાલ દેશભરમાં ભારે ઉત્સાહ અને પરંપરાગત રંગ સાથે ઉજવાઈ રહ્યો છે. આજે મંગળવાર, 25 ઓગસ્ટના ઓનમનો નવમો દિવસ એટલે કે ઉથ્રાડમ હતો. ઉથ્રાડમને થિરુ ઓનમના એક દિવસ પહેલાનો મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પરિવારો ઘરની સફાઈ અને સજાવટથી લઈને નવા કપડાંની ખરીદી તથા પરંપરાગત વાનગીઓ બનાવવાની તૈયારીઓ કરે છે.

થિરુ ઓનમ પહેલા મુંબઈનું અંધેરી મેટ્રો સ્ટેશન પણ જાણે કેરલમમાં ફેરવાઈ ગયું હોય તેવું મનમોહક દૃશ્ય જોવા મળ્યું હતું. મુંબઈના સૌથી વ્યસ્ત મેટ્રો સ્ટેશનોમાંથી એક અંધેરી મેટ્રો સ્ટેશનની મલયાલી સમુદાય દ્વારા ભવ્ય ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી. રંગબેરંગી પૂક્કલમે એટલે કે ફૂલોની રંગોળીએ અહીંથી પસાર થતા મુસાફરોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

મલયાલી સમાજ દ્વારા બનાવવામાં આવેલા આ સુંદર પૂક્કલમની આસપાસ પરંપરાગત પિત્તળના દીવા એટલે કે નીલવિલક્કુ પણ મૂકવામાં આવ્યા હતા. આ પહેલનો હેતુ મુંબઈમાં રહેતા કેરળવાસીઓ ઉપરાંત હજારો મુંબઈગરા અને મુલાકાતીઓને કેરળની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાની ઝલક આપવાનો હતો.

પૂક્કલમ તાજા ફૂલોનો ઉપયોગ કરીને જમીન પર બનાવવામાં આવતી સુંદર ફૂલ રંગોળી છે. ઓનમના 10 દિવસ દરમિયાન તેને અલગ-અલગ રંગો અને ડિઝાઈનમાં તૈયાર કરવામાં આવે છે. કેરળમાં ઓનમની ઉજવણી દરમિયાન પૂક્કલમનું વિશેષ મહત્વ છે અને લોકો તેને સામૂહિક રીતે તૈયાર કરીને તહેવારની ખુશી વહેંચે છે.

પૂક્કલમ માત્ર સજાવટ પૂરતી સીમિત નથી, પરંતુ તે કેરલમનો સાંસ્કૃતિક વારસો, સામૂહિક એકતા, સૌહાર્દ અને ખુશીનું પ્રતીક છે. પોતાના વતનથી દૂર મુંબઈમાં રહેતા કેરલમવાસીઓ માટે આવી ઉજવણી તેમને પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અંધેરી મેટ્રો સ્ટેશન પરથી દરરોજ એક લાખથી વધુ મુસાફરો પસાર થાય છે. આવા વ્યસ્ત સ્થળે ઓનમની પરંપરાગત સજાવટ કરવામાં આવતા મુંબઈગરાઓને પણ કેરળની સંસ્કૃતિને નજીકથી જાણવાનો અને માણવાનો અવસર મળ્યો હતો. થિરુ ઓનમની પૂર્વસંધ્યાએ અંધેરી મેટ્રો સ્ટેશન પર જોવા મળેલું આ સુંદર દૃશ્યએ મુંબઈની વિવિધતામાં એકતાની અનોખી ઝલક રજૂ કરી હતી.