Tue Aug 25 2026

Logo

હોર્ડિંગ માટે ગેરકાયદે 63 વૃક્ષો કાપનાર હોર્ડિંગ કંપની સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ

2026-06-11 18:01:30
Author: Vipul Vaidya
હોર્ડિંગ માટે ગેરકાયદે 63 વૃક્ષો કાપનાર હોર્ડિંગ કંપની સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક કોર્પોરેટર રૂપેશ સાવરકરે પાલક પ્રધાન અને રાજ્યના ઈન્ફર્મેશન ટેકનોલોજી અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારને લેખિતમાં ફરિયાદ કરીને અંધેરી (પશ્ર્ચિમ)ના ન્યૂ લિંક રોડ વિસ્તારમાં હોર્ડિંગને સ્પષ્ટ રીતે જોઈ શકાય તે માટે ગેરકાયદે 63 વૃક્ષો કાપવામાં આવી રહ્યાની ગંભીર બાબત ધ્યાનમાં લાવી આપી હતી. પાલક પ્રધાને અધિકારીઓને આ મામલે સંબંધિત જાહેરાત કંપની સામે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ન્યૂ લિંક રોડ વિસ્તારમાં હોર્ડિંગ માટે મોટી સંખ્યામાં વૃક્ષોની ડાળીઓ કાપવામાં આવી હતી. ગુરુવારે ઉપનગર જિલ્લા કલેક્ટર કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં સ્થાનિક કોર્પોરેટર રૂપેશ સાવરકરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યારે પાલક પ્રધાને આ અંગે પૂછ્યું, ત્યારે મ્યુનિસિપલ અધિકારીઓએ સ્વીકાર્યું કે વૃક્ષો કાપવામાં આવ્યા હતા અને કહ્યું કે તેમણે ઝોનલ ઓફિસ અને આંબોલી પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક ફરિયાદ નોંધાવી છે. જોકે, કોર્પોરેટર રૂપેશ સાવરકરે ધ્યાન દોર્યું કે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.

આ બાબતની નોંધ લેતા, મંત્રી આશિષ શેલારે પોલીસને સંબંધિત જાહેરાત પરમિટની તપાસ કર્યા પછી દોષી જાહેરાત કંપની સામે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.