Sun Aug 23 2026

Logo

સોમવારથી અંધેરી-ઘાટકોપર વચ્ચે મેટ્રો રેલ દોડશે પીક અવર્સમાં અંધેરી-ઘાટકોપર વચ્ચે દર ત્રીજી મિનિટે મેટ્રો

2026-08-09 09:39:37
Author: Sapna Desai
Article Image

મેટ્રો ટ્રીપ ૪૭૬ પરથી ૪૮૪ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ઘાટકોપર-વર્સોવા મેટ્રો-વન રૂટ પર ઘાટકોપર-અંધેરી દરમ્યાન પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા લગભગ ૮૫ ટકા છે. તેથી મેટ્રો-વનના રૂટ પર ઘાટકોપર-અંધેરી વચ્ચે મેટ્રો રેલ  દોડાવવાની માગણી અનેક દિવસથી ચાલી રહી હતી. પ્રવાસીની માગણીને માન્ય કરી મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડે સોમવાર ૧૦, ઑગસ્ટથી ઘાટકોપર-અંધેરી દરમ્યાન દરરોજ સાંજે  મેટ્રો રેલ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મેટ્રો રૂટ પર ટ્રીપની સંખ્યા ૪૭૬ પરથી ૪૮૪ થઈ જશે.

મુંબઈની પહેલી ઘાટકોપર-વર્સોવા મેટ્રો-વન રૂટ ૨૦૧૪થી દોડે છે. મેટ્રો-વન પર પ્રવાસીની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દરરોજ લગભગ પાંચ લાખ લોકો મેટ્રો-વન રેલમાં પ્રવાસ કરે છે. વધતા પ્રવાસીની સંખ્યાને કારણે રૂટ પર ચાર ડબ્બાની મેટ્રોને ગાડી પીક અવર્સમાં ઓછી પડતી હોવાથી સવાર સાંજ ભીડ વધુ હોય છે.

તેથી આ પાશ્ર્વભૂમિ પર છ ડબ્બાની ગાડી પીક અવર્સમાં ઓછા અંતર પર એટલે કે ઘાટકોપર-અંધેરી દરમ્યાન દોડાવવાની માગણી કરવામાં આવી રહી હતી. મુંબઈ મેટ્રો પ્રશાસને  ઘાટકોપર-અંધેરી વચ્ચે ૮૫ ટકા પ્રવાસીઓની સંખ્યા હોવાનું કહ્યું હતું. તેથી ભીડ સમયે આ સ્ટેશનો વચ્ચે મેટ્રો દોડાવાની માગણીને ધ્યાન રાખીને ઘાટકોપર-અંધેરી દરમયાન બે વખત પરીક્ષણ  કરવામાં આવ્યા હતા. એપ્રિલ, ૨૦૨૫માં અમુક દિવસ ઘાટકોપર-અંધેરી દરમ્યાન ગાડી દોડાવી હતી. એ બાદ હવે સોમવાર સાંજથી ઘાટકોપર-અંદેરી દરમ્યાન કાયમ સ્વરૂપી મેટ્રો દોડાવવાનો મેટ્રો-વને નિર્ણય લીધો છે.

પહેલી ગાડી સોમવારથી સાંજના ૬.૨૩ વાગે અંધેરીથી ઘાટકોપર માટે દોડશે. છેલ્લી ગાડી રાતના ૮.૨૨ વાગે અંધેરીથી ઘાટકોપર દોડશે. આ વધારાની ફેરીને કારણે મેટ્રો-વન પર કુલ ફેરીની સંખ્યા હવે ૪૭૬ પરથી ૪૮૪ થશે. તો ભીડના સમયે આ રૂટ પર ૩ મિનિટ ૨૦ સેંકડનો સમય ઘટીને ૩ મિનિટનો  થઈ જશે, તેને કારણે રૂટ પર ૨૦ ટકા એટલે કે લગભગ ૨૮,૦૦૦ વધારાના પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે.