Sun Jul 26 2026

Logo

રેલ્વે મંત્રાલયમાં મર્જર અને નવા ચહેરાઓની એન્ટ્રી? અમિત શાહની રાષ્ટ્રપતિ મુર્મુ સાથેની મુલાકાતે વધાર્યું સસ્પેન્સ!

2026-06-26 09:00:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર કેબિનેટમાં ફેરફાર કરવા જઈ રહી રહે છે તેવી ચારેબાજુથી થઈ રહેલી ચર્ચા વચ્ચે ગૃહ પ્રધાન અમિત શાહની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે થયેલી મુલાકાતે ચર્ચાને વધુ વેગ આપ્યો છે. 

અમિત શાહની પહેલા મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિની મુલાકાત કરી હતી અને તેમની મુલાકાતના બે દિવસ બાદ જ હવે શાહ રાષ્ટ્રપતિને મળ્યા છે. મોદીની મુર્મુ સાથેની મુલાકાત પીએમની વિદેશ યાત્રા બાદ રાષ્ટ્રપતિને માહિતી આપવાની પરંપરાગત પ્રથાનો ભાગ હોવાનું કહેવાય છે. જો કે અમિત શાહની મુલાકાતથી કેન્દ્રીય મંત્રી પરિષદમાં ટૂંક જ સમયમાં ફેરબદલ કરવામાં આવે તે અંગે નવી અટકળો શરૂ થઈ છે.

અમિત શાહની બેઠક બાદ ભાજપે ગઈકાલે 2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશ એકમમાં સંગઠનાત્મક સુધારાની પણ જાહેરાત કરી હતી. પદાધિકારીઓની નવી યાદીને વ્યાપક સામાજિક સમીકરણોને ઉકેલવા માટેના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે અમિત શાહની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત તેમના તાજેતરના જન્મદિવસ પછીની સૌજન્ય મુલાકાત હોઈ શકે છે અથવા નિયમિત જે ચર્ચા માટે મુલાકાત થાય છે તેનો ભાગ હોઈ શકે છે. જો કે સૂત્રોએ ભાજપ કેબિનેટમાં ફેરબદલની ચર્ચા અંગે કહ્યું હતું કે હાલ કોઈ તબક્કે કેબિનેટમાં ફેરબદલની અપેક્ષા નથી, પરંતુ ગૃહ પ્રધાનની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત પાછળ ચોક્કસ હેતુ શું હતો તેનાથી અજાણ હોવાનું જણાવ્યું હતું. 

વળી બીજી તરફ રાજકીય ઘટનાક્રમ જોવામાં આવે તો અમિત શાહની આ મુલાકાત રાજ્ય પ્રધાન જ્યોર્જ કુરિયન રાજ્યસભાના સભ્યપદથી દૂર થયા બાદ અને 21 જૂનના રોજ તેમનો કાર્યકાળ પૂરો થયા પછી કેબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ થઈ છે અને તેમને ફરીથી નામાંકિત કરવામાં આવ્યા ન હતા. અમુક રાજકીય નેતાઓનું માનવું છે કે અમિત શાહની મુલાકાતનો સબંધ આ ઘટનાક્રમ સાથે સંબંધિત હોઈ શકે છે.

 રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2027 માં યોજાનારી સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજ્યપાલોની નિમણૂકોમાં ફેરફાર પણ વિચારણા હેઠળ હોઈ શકે છે. એવી પણ અટકળો છે કે સંકલન અને વહીવટી કાર્યક્ષમતા સુધારવા માટે એક મુખ્ય મંત્રાલયને રેલ્વે મંત્રાલયમાં મર્જ કરી શકાય છે. જો કે અ બધાની વચ્ચે તાજેતરમાં રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો બાદ મંત્રીમંડળમાં ફેરબદલની શક્યતાએ નવા ચહેરાઓના સમાવેશ અંગે ચર્ચા શરૂ થઈ છે.