તહેરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે અન્ય દેશો ચિંતા પણ વધી છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાને 10 દિવસની ચેતવણી આપી છે. ત્યારે યુદ્ધની સંભવિત સ્થિતીને જોતા સર્બિયા અને સ્વીડને તેમના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા જણાવ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર પર વિવાદ ચાલી રહ્યો છે.
સર્બિયાએ નાગરિકોએ તાત્કાલિક ઈરાન છોડવાની અપીલ કરી
આ અંગે મળતી માહિતી મુજબ સર્બિયાએ જાન્યુઆરીના મધ્યમાં જયારે ઈરાનમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા ત્યારે જ નાગરિકોને ઈરાન છોડી દેવા અને ત્યાં મુસાફરી ન કરવાની સલાહ આપી હતી. ત્યારે હવે સર્બિયન વિદેશ મંત્રાલયે તેની સત્તાવાર વેબસાઇટ પર એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ખરાબ થતી સુરક્ષા પરિસ્થિતિને કારણે, સર્બિયાના નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવાની અને ઈરાનમાં રહેલા તમામ લોકોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. સર્બિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સુરક્ષા પરિસ્થિતિ સતત બગડી રહી છે અને નાગરિકોએ તાત્કાલિક ઈરાન છોડવાની જરૂર છે.
હવાઈ મુસાફરી અને રોડ દ્વારા હજુ પણ નીકળવું શક્ય
જયારે સ્વીડને પણ તેના નાગરિકોને ઈરાન છોડવા જણાવ્યું છે. આ અંગે સ્વીડિશ વિદેશ પ્રધાન મારિયા માલ્મર સ્ટેનગાર્ડે એકસ પર પોસ્ટમાં ઈરાનમાં રહેલા સ્વીડિશ નાગરિકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે ઈરાન અને પ્રદેશમાં પરિસ્થિતિ અત્યંત અનિશ્ચિત છે. સ્વીડિશ વિદેશ મંત્રાલય ઈરાનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે અને શક્ય તેટલી વહેલી તકે ઈરાનમાંથી નીકળી જવા નાગરિકોને જણાવ્યું છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હવાઈ મુસાફરી અને રોડ દ્વારા હજુ પણ નીકળવું શક્ય છે. પરંતુ જેઓ રહેવાનું પસંદ કરે છે તેઓ તેમની વ્યક્તિગત સુરક્ષા માટે જવાબદાર રહેશે. સ્વીડિશ સરકાર સ્થળાંતરમાં મદદ કરી શકશે નહીં.
ઈરાન પીછેહઠ કરવા તૈયાર નથી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને હિંદ મહાસાગરમાં અલ્વાન્ડ ડિસ્ટ્રોયર તૈનાત કર્યું છે. અમેરિકાએ ઇરાનને 15 દિવસની ચેતવણી આપી છે. જેના જવાબમાં ઈરાનને આ પગલું ભર્યું છે. અલ્વાન્ડ ડિસ્ટ્રોયર (Alvand Destroyer)એ ઈરાન નૌકાદળનું એક શક્તિશાળી યુદ્ધ જહાજ છે.જેણે તાજેતરમાં રશિયા સાથેના સંયુક્ત નૌકાદળ ઓપરેશનમાં હિસ્સો લીધો હતો.
યુદ્ધ જહાજ ઈરાન તરફ આગળ વધારવામાં આવી રહ્યા છે
આ દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કરારના વિવાદના લીધે તણાવ વધ્યો છે. જેના પગલે અમેરિકાએ ઈરાનને ટાર્ગેટ બનાવીને F-35 અને F-16 જેવા શક્તિશાળી ફાઇટર જેટ અને USS ગેરાર્ડ ફોર્ડ એર કેરિયર જેવા શસ્ત્રો તૈનાત કર્યા છે. તેમજ અનેક યુદ્ધ જહાજ ઈરાન તરફ આગળ વધારવામાં આવી રહ્યા છે. જોકે, ઈરાન પીછેહઠ કરવા તૈયાર નથી.