Wed Sep 02 2026

Logo

અમરનાથ યાત્રા 2026: ભક્તો માટે ખુશખબર, જમ્મુ-શ્રીનગર હાઈવે પર 'ખૂની નાલા'થી મળશે મુક્તિ

2026-06-29 15:33:00
Author: Mayur Patel
અમરનાથ યાત્રા 2026: ભક્તો માટે ખુશખબર, જમ્મુ-શ્રીનગર હાઈવે પર 'ખૂની નાલા'થી મળશે મુક્તિ

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રાને શરૂ થવાને ગણતરીના જ દિવસોની વાર છે. 3 જુલાઈથી શરૂ થતી આ યાત્રા પહેલા  જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર બનેલી 3.5 કિલોમીટર લાંબી એટી-03 સાઉથ બાઉન્ડ ટનલ ખુલ્લી મૂકવામાં આવી શકે છે. આ ટનલ પંથ્યાલને ડિગડોલ સાથે જોડો છે અને  અમરનાથ યાત્રા 2026 પહેલા 'ખૂની નાલા' અને પંથ્યાલના કેટલાક હિસ્સાને  સુરક્ષિત, ઝડપી અને દરેક સીઝનમાં કામ આવનારો વૈકલ્પિક રસ્તો આપશે.

મળતી વિગત પ્રમાણે, સરલા પ્રોજેક્ટ વર્ક્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આશરે 846 કરોડના ખર્ચે આ ટનલ બનાવવામાં આવી છે. એટી-03 ટનલ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેના સૌથી મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંથી એક છે. આ પ્રોજેક્ટ ભારતના સૌથી મહત્વના રોડ કૉરિડોર પૈકીના એકની યાત્રાને શાનદાર બનાવશે. જેનાથી સુરક્ષા વધશે, યાત્રાનોસમય ઓછો થશે અને ટ્રાફિકનું સંચાલન પણ યોગ્ય રીતે થઈ શકશે.

અનેક દાયકાથી ખૂની નાલા અને પંથ્યાલવાળા વિસ્તારને હાઈવેના સૌથી ખતરનાક હિસ્સો માનવામાં આવે છે. ચોમાસામાં અહીં વારંવાર ભૂસ્ખલન, પથ્થર પડવા, અચાનક પૂર આવવું તથા લાંબા સમય સુધી ટ્રાફિક જામ જેવી સમસ્યા સર્જાય છે.

નવો રસ્તો ખુલવાથી આ ખતરનાક રસ્તાથી પસાર થવાની જરૂર નહીં પડે.  જેનાથી મુસાફરોને વર્ષ દરમિયાન કોઈપણ જાતની રૂકાવટ વગર ભરોસાપાત્ર કનેક્ટિવિટી મળશે. આ નવી ટનલ અમરનાથ યાત્રા 2026 દરમિયાન મહત્વની ભૂમિકા ભજવશે. જે જમ્મુ-કાશ્મીર વચ્ચે યાત્રા કરનારા હજારો મુસાફરો માટે સુરક્ષિત અને સરળ પરિવહન સુનિશ્ચિત કરશે. ઉપરાંત હાઈવે પરતી ભીડને પણ ઘણા અંશે ઘટાડશે.

સ્થાનિકો આ પ્રોજેક્ટને ગેમ ચેન્જિંગ પ્રોજેક્ટ ગણાવી રહ્યા છે.  એટી-03 સાઉથ બાઉન્ડ ટનલનું કામ પૂરું થવું જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેના આધુનિકીકરણની દિશામાં મોટી ઉપલબ્ધિ છે. જે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને જમ્મુ-કાશ્મીરમાં કનેક્ટિવિટી સુધારવા સરકારના સતત પ્રયાસોને દર્શાવે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમરનાથ યાત્રા પહેલા તેને ખુલ્લી મૂકવામાં આવી શકે છે. મુખ્ય કામ પૂર્ણ થઈ ચુક્યું છે અને ફિનિશિંગ તથા સપોર્ટનું કામ હાલ ચાલી રહ્યું છે.