Wed May 13 2026

Logo

જાણો કેમ લોકો ચાવી પર લપેટી રહ્યા છે એલ્યુમિનિયમ ફોઇલ? કારની સુરક્ષા સાથે છે ખાસ કનેક્શન...

2026-05-12 22:24:49
Author: Darshana Visaria
Article Image

અત્યારનો જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો અને ટ્રિક્સ અને ટિપ્સ વાઈરલ થતાં હોય છે. હાલમાં આવો જ એક હેકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં લોકો પોતાની કાર કીને એલ્યુમિનીયમ ફોઈલમાં લપેટી રહ્યા છે અને તેને લોકો કારની સેફ્ટી સાથે જોડીને જોઈ રહ્યા છે. હવે અહીંયા લાખ રૂપિયાનો સવાલ છે એ છે કે એલ્યુમિનીયમ ફોઈલમાં કાર કી લપેટવી અને કારની સેફ્ટી વચ્ચે શું સંબંધ છે? ચાલો આજે તમને આ વિશે વિસ્તારથી જણાવીએ... 

અત્યારના હાઈટેક યુગમાં કાર ચોરી કરવાની રીતો પણ ડિજિટલ બની ગઈ છે. એમાં પણ ખાસ કરીને 'કી-લેસ એન્ટ્રી' ધરાવતી આધુનિક કાર હવે ચોરો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહી છે. રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા જેવા દેશોમાં આ ટેક્નોલોજી કાર ચોરીનું મુખ્ય કારણ બની છે. પરંતુ શું તમે જાણો છો કે રસોડામાં વપરાતી સામાન્ય એલ્યુમિનિયમ ફોઇલ (Aluminium Foil) તમારી લાખોની કાર બચાવી શકે છે?

ચોરીની ડિજિટલ રીત: 'રિલે એટેક' 
કી-લેસ કાર વાયરલેસ સિગ્નલ દ્વારા ચાવી સાથે જોડાયેલી હોય છે. જ્યારે ચાવી ગાડીની અમુક મર્યાદામાં હોય, ત્યારે કાર આપમેળે અનલોક થઈ જાય છે. ચોરો હવે કાચ તોડવાને બદલે ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરે છે. આ ટેકનિકમાં ચોર એક ડિવાઇસ દ્વારા તમારા ઘરમાં રહેલી ચાવીના સિગ્નલને કેપ્ચર કરે છે. તે સિગ્નલને બીજા ડિવાઇસ દ્વારા કાર સુધી પહોંચાડવામાં આવે છે. કારને લાગે છે કે ચાવી પાસે જ છે અને તે તરત અનલોક થઈ જાય છે. આ રીતે ચોર ચાવી વગર જ તમારી કાર લઈને રફુચક્કર થઈ શકે છે.

એલ્યુમિનિયમ ફોઇલ કેવી રીતે મદદરૂપ થાય?
એલ્યુમિનિયમ ફોઇલ 'ફેરાડે કેજ' (Faraday Cage) ના સિદ્ધાંત પર કામ કરે છે. સિગ્નલ બ્લોકિંગ: એલ્યુમિનિયમ એક ધાતુ છે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સને પસાર થતા અટકાવે છે. જો તમે કારની ચાવીને ફોઇલમાં બરાબર લપેટી લો, તો તે ચાવીના સિગ્નલને બહાર જતા અટકાવે છે. પરિણામે, ચોરોનું ડિવાઇસ સિગ્નલ પકડી શકતું નથી અને 'રિલે એટેક' નિષ્ફળ જાય છે.

કાર સુરક્ષિત રાખવાના અન્ય ઉપાયો
ચાવીને દરવાજાથી દૂર રાખો: સામાન્ય રીતે લોકો ઘરના મુખ્ય દરવાજા પાસે જ ચાવી રાખતા હોય છે, જ્યાંથી સિગ્નલ ચોરવા સરળ રહે છે. ચાવીને ઘરના અંદરના ભાગમાં કે ટેબલના ખાનામાં રાખો.
સિગ્નલ બ્લોકિંગ પાઉચ: બજારમાં ખાસ 'ફારાદે પાઉચ' મળે છે જે ફોઇલ કરતા વધુ ટકે તેવા અને સુરક્ષિત હોય છે.
મોશન સેન્સર કી: નવી ગાડીઓમાં એવી ચાવીઓ આવે છે જે જો અમુક સમય સુધી હલે નહીં, તો આપમેળે સિગ્નલ મોકલવાનું બંધ કરી દે છે.