Wed Sep 09 2026

Logo

અખાત્રીજે દ્વારકાધીશ મંદિરમાં 'ચંદનવાઘા' શૃંગાર અને વિશેષ આરતી:  જાણો કયા સમયે દર્શન ખુલ્લા રહેશે?

2026-04-14 22:35:49
Author: Devayat Khatana
અખાત્રીજે દ્વારકાધીશ મંદિરમાં 'ચંદનવાઘા' શૃંગાર અને વિશેષ આરતી:  જાણો કયા સમયે દર્શન ખુલ્લા રહેશે?

દ્વારકા: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ જગત મંદિર દ્વારકા ખાતે આગામી ૨૦ એપ્રિલ ૨૦૨૬, સોમવારના રોજ "અક્ષય તૃતીયા" (અખાત્રીજ) ના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન શ્રીદ્વારકાધીશના દર્શનના ક્રમમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. વહીવટદાર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, આ દિવસે વૈશાખ સુદ ત્રીજના પર્વને અનુલક્ષીને મંદિરમાં વિવિધ ઉત્સવ આરતી અને વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવશે, જેના કારણે દર્શનના સમયમાં ફેરફાર રહેશે.

સવારના દર્શનનો ક્રમ:
અક્ષય તૃતીયાના દિવસે સવારે ૦૬:૩૦ વાગ્યે મંગલા આરતી થશે. ત્યારબાદ સવારે ૦૮:૦૦ થી ૦૯:૦૦ દરમિયાન અભિષેક પૂજન કરવામાં આવશે, જે દરમિયાન દર્શન બંધ રહેશે. સવારે ૧૦:૦૦ વાગ્યે શૃંગાર આરતી થશે, જ્યારે ૧૦:૧૫ થી ૧૨:૦૦ વાગ્યા સુધી "ચંદનવાઘા" શૃંગારને કારણે દર્શન બંધ રહેશે. બપોરે ૧૨:૦૦ વાગ્યે વિશેષ "અક્ષય તૃતીયા" ઉત્સવ આરતી કરવામાં આવશે, અને ૧૨:૪૫ વાગ્યે રાજભોગ બાદ દર્શન બંધ થશે.

બપોર પછીનો સમયપત્રક
બપોરે ૦૧:૩૦ થી ૦૫:૦૦ વાગ્યા સુધી મંદિર અનૌસર (બંધ) રહેશે. જોકે, સાંજનો ક્રમ નિત્ય ક્રમ મુજબ જ રહેશે, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મંદિરના વહીવટદાર અને નાયબ કલેક્ટર હિમાંશુ ચૌહાણ દ્વારા તમામ વૈષ્ણવોને આ બદલાયેલા સમય મુજબ દર્શનનો લાભ લેવા જણાવવામાં આવ્યું હતું.